રેન્જ કચેરીની હેલ્પલાઇનને ચાર મહિનામાં 104 ટિપ્સ '' મળી : 40 ગુના દાખલ, 49 નિલ રેડ

ભુજ, તા. 12 : કચ્છ સહિત ચાર પોલીસ જિલ્લાને સાંકળતી પોલીસ દળની ભુજ સ્થિત સરહદ રેન્જ કચેરી દ્વારા ગત ઓગસ્ટ મહિનાથી કાર્યરત કરાયેલી હેલ્પલાઇનમાં 31મી ડિસેમ્બર સુધીના ચાર મહિનાના સમય દરમ્યાન કુલ્લ 104 બાતમી મળી હતી, જેના આધારે કાર્યવાહી કરતાં 40 ગુના દાખલ કરાયા હતા, તો 13 સફળ દરોડા પડાયા હતા, તો સાથે-સાથે બાતમીવાળા કિસ્સાઓ પૈકી 49 કેસમાં નિલ રેડ થઇ હતી. રેન્જના વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ પોલીસ મહાનિરીક્ષક ડી.બી. વાઘેલા દ્વારા પૂર્વ અને પશ્ચિમ કચ્છ ઉપરાંત પાટણ અને બનાસકાંઠા જિલ્લાને સાંકળતી આ હેલ્પલાઇન કાર્યરત કરાઇ હતી. જેમાં અત્યાર સુધી ભુજના વ્યાજવટા વ્યવસાય અને તે અનુસંધાને ધાકધમકી અને કનડગત સહિતના કેટલાક મહત્ત્વના કિસ્સાઓનો પર્દાફાશ પણ થયો છે, તો દારૂ અને જુગાર જેવી સામાજિક બદીઓ સામે પણ નોંધનીય કાર્યવાહી કરાઇ છે.  દરમ્યાન, રેન્જ કચેરી દ્વારા જારી કરાયેલી સત્તાવાર યાદી અનુસાર, 30મી ઓગસ્ટથી 31મી ડિસેમ્બર-2018 દરમ્યાન રેન્જ કચેરી હેલ્પલાઇન ઉપર કુલ્લ 104 જણે જુદી-જુદી ટિપ્સ આપી હતી, જેના આધારે તાબડતોબ કાર્યવાહી હાથ ધરી પ્રાથમિક તપાસના અંતે 40 ગુના દાખલ કરવામાં આવ્યા છે, તો 13 સ્થળે સફળ દરોડા પાડી શકાયા છે. અલબત્ત, બાતમીઓ પૈકીના 49 કિસ્સા એવા નીકળ્યા છે કે તેમાં તપાસ બાદ નિલ રેડ બતાવાઇ હતી, જ્યારે સાથે-સાથે 23 અરજીનો પણ નિકાલ લાવી શકાયો છે.  રેન્જ કચેરીની હેલ્પલાઇનને વધુ ને વધુ કાર્યરત કરવા અને લોકોમાં તે પરત્વે વિશ્વાસ ઊભો કરવા સહિતની જરૂરી કાર્યવાહી કરવાની પ્રતિબદ્ધતા દર્શાવતાં પોલીસ દળે આ યાદીમાં બાતમીદારોને બાતમી આપવા વિશે કે તેમની ફરિયાદ-વ્યથા પ્રસ્તુત કરવા માટેનાં ઉપયોગી સૂચનો પણ કર્યાં હતાં.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer