માંડવીમાં લાખોની ટોપી ફેરવનારા સામે ફોજદારી

ભુજ, તા. 12 : માંડવી શહેરમાં મિત્રો, સ્નેહીઓ અને ઓળખીતા તથા સંબંધિતો પાસેથી રૂપિયા ઉછીના લીધા બાદ કોઇને રકમ પરત ન આપનારા વિક્રમાસિંહ રામસંગજી જાડેજા નામના શખ્સ સામે રૂા. 42.60 લાખની રકમના વિશ્વાસઘાત અને છેતરપિંડી વિશે અંતે ફોજદારી ગુનો દાખલ કરાયો હતો.  માંડવીમાં કે.ટી. શાહ રોડ ખાતે રહેતા વેપારી વૈભવ જિતેશભાઇ સંઘવી દ્વારા આ મામલે સ્થાનિક પોલીસને લેખિતમાં અરજી આપવામાં આવી હતી, જેના આધારે પ્રાથમિક તપાસ કર્યા બાદ માંડવી પોલીસે શ્રી સંઘવીને ફરિયાદી બનાવીને ગતરાત્રે આ ગુનો માંડવીના ઘનશ્યામનગર વિસ્તારમાં સારસ્વત્ બોર્ડિંગની પાછળ રહેતા વિક્રમાસિંહ જાડેજા સામે દાખલ કર્યો હતો.  ફરિયાદને ટાંકીને પોલીસ સાધનોએ જણાવ્યું હતું કે, આરોપી વિક્રમાસિંહે કેસના  ફરિયાદી વૈભવભાઇ તથા અન્ય મિત્રો પાસેથી રોકડા, ચેકથી અને ઓનલાઇન ટ્રાન્સફર દ્વારા રૂા. 36.60 લાખ લીધા હતા, તો અન્ય એક મિત્રની રૂા. છ લાખની કિંમતની સ્વિફ્ટ કાર જી.જે. 12 એ.ડી. 1992 પણ લીધી હતી. બાદમાં કાર અને રોકડ સહિતની કોઇ માલમતા તેણે પરત ન આપીને સંબંધિતો તમામ સાથે વિશ્વાસઘાત સાથે છેતરપિંડી કરી હતી. માંડવી પોલીસ મથકના ઇન્સ્પેક્ટર એમ.જે. જલુએ કેસની તપાસ હાથ ધરતાં તહોમતદારની ધરપકડ માટેનાં ચક્રો ગતિમાન કર્યાં છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer