ગાંધીધામમાં બે સ્થળે દરોડા પડાતાં 44 હજારનો દારૂ મળ્યો

ગાંધીધામ, તા. 12 : શહેરમાં પોલીસે બે સ્થળે દરોડા પાડી 44 હજારની કિંમતનો અંગ્રેજી પ્રકારનો શરાબનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહી દરમ્યાન એક આરોપી ઝડપાયો હતો, જ્યારે બે શખ્સો ફરાર થઈ ગયા હતા. પોલીસનાં સત્તાવાર સાધનોના જણાવ્યા પ્રમાણે, એલ.સી.બી.ની ટુકડીએ પૂર્વ બાતમીના આધારે ખોડિયાર- નગર વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમ્યાન ઓરડીમાંથી ભારતીય  બનાવટની જુદી-જુદી બ્રાન્ડની શરાબની 73 નંગ બોટલો અને 187 નંગ ક્વાર્ટરિયાં સહિત 34 હજારનો શરાબ કબજે કરાયો હતો. આરોપી સંતોષ રામદયાલ રેગર ફરાર થઈ ગયો હતો. બીજી બાજુ, એ. ડિવિઝન પોલીસે દ્વિચક્રી વાહનમાંથી શરાબ ઝડપી પાડ્યો હતો. વોર્ડ 10/એમાં આઈ.ઓ.સી. કોલોની પાસે ગત બપોરના આ કાર્યવાહી કરાઈ હતી. જી.જે. 12 સી.સી. 5501 નંબરની એક્ટિવામાંથી રોયલ ચેલેન્જની 11 નંગ અને રોક સ્ટાર ડિલક્ષની 12 નંગ બોટલો કબજે કરાઈ હતી. શરાબના જથ્થાની કિંમત રૂા. 9700 આંકવામાં આવી છે. આરોપી રાજુદાસ રામાદાસ યાદય ઝડપાઈ ગયો હતો, જ્યારે શંકરલાલ ક્રિષ્નારામ પ્રજાપતિ નાસી ગયો હતો. રૂા. 500ની કિંમતનો મોબાઈલ ફોન અને 20 હજારની કિંમતની એક્ટિવા  કબજે કરાઈ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer