અબડાસાના ધારાસભ્ય દ્વારા 16મીથી રોજગારી, ઘાસ અને પાણી માટે ઉપવાસ

વિરાણી મોટી (તા. નખત્રાણા), તા. 12 : અબડાસા વિધાનસભા ક્ષેત્રમાં ઉદ્યોગો દ્વારા સ્થાનિક લોકોને બિલકુલ રોજગારી અને પશુધનને ઘાસચારો તેમજ પાણી પૂરું પાડવામાં આવતા ન હોવાથી લોકો માટે સમસ્યા સર્જાઈ છે તે અંગેની સરકાર અને ઉદ્યોગોને કરાતી રજૂઆતો ધ્યાને ન લેવાતાં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ તા. 16મી જાન્યુઆરીથી ગાંધી ચીંધ્યા માર્ગે આમરણ ઉપવાસ ઉપર ઊતરશે તેવી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને મુખ્ય સચિવ ડો. જે.એન. સિંઘને આજે લેખિત રજૂઆત કરી હતી. શ્રી જાડેજાએ જણાવ્યું હતું કે વારંવારની રજૂઆતોના અંતે પણ સરકાર અને ઉદ્યોગો લોકોની સમસ્યાઓ તથા રજૂઆતોને અવગણી કોઈ સુવિધા આપતા નથી. આ ઓરમાયા અને અન્યાયી વલણના વિરોધમાં તા. 16મીએ સવારે 10 વાગ્યાથી વાયોરમાં અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના મુખ્ય ગેટ સમક્ષ ઉદ્યોગ દ્વારા જ્યાં સુધી સ્થાનિકોને રોજગારી, તેમજ વરસાદ ન વરસે ત્યાં સુધી પશુધન માટે ઘાસચારો અને પીવાનું પાણી પૂરું પાડવામાં નહીં આવે ત્યાં સુધી લોકશાહી ઢબે ગાંધીચીંધ્યા માર્ટે આમરણ ઉપવાસ પર બેસવાની ચીમકી ધારાસભ્ય શ્રી જાડેજાએ આપી હતી. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer