સ્ટેશનરીનો માલ હવે ઝબલામાં નહીં અપાય

ભુજ, તા. 12 : કચ્છ જિલ્લા સ્ટેશનરી એન્ડ બુક સેલર્સ એસોસિયેશનની બેઠક અંજાર ખાતે મળી હતી. જેમાં કચ્છના એસોસિયેશનના પ્રતિનિધિ વેપારીઓ હાજર રહ્યા હતા. સંસ્થાના મહામંત્રી રમજાનભાઈ ખોજાએ આવકારીને જણાવ્યું કે હાલે સ્ટેશનરી અને બુક સેલર્સના વેપારીઓ અનેકવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે ત્યારે આ બેઠક અગત્યની સાબિત થશે. જેમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લઈને અમલીકરણ કરવાનું જરૂરી બનશે. સંસ્થાના પ્રમુખ વાડીલાલભાઈ મોરબિયાના પ્રમુખસ્થાને મળેલી બેઠકમાં જણાવાયું કે, હાલે એકતરફી હરીફાઈના યુગની સાથે આપણે અનેકવિધ નુકસાની સહન કરવી પડે છે. જે માટે તેમણે વિવિધ ઉદાહરણો આપી અને સંગઠિત થવા અપીલ કરી હતી. સંસ્થાના ઉપપ્રમુખ હેમેન્દ્રભાઈ કંસારાએ જણાવ્યું હતું કે, હાલે કાગળની કંપનીઓ ઉપર કોઈ અંકુશ ન હોવાથી તે એકતરફી વધારો કરી રહી છે અને તેનાં કારણે તમામ પેપર સ્ટેશનરી પર ભાવ વધારો થયો છે. શાળા પાઠયપુસ્તક મંડળ દ્વારા હાલે રજિસ્ટર્ડ વેપારીઓને માત્ર 12.50 ટકા કમિશન છેલ્લા 30 વર્ષથી આપે છે. પરંતુ પુસ્તકોની કિંમત વધવાથી નુકસાની પણ વધતી જાય છે, જે પણ અનેકવિધ રજૂઆતો પછી પણ કોઈ પરિણામ મળ્યાં નથી. અનંતભાઈ જૈન (ગાંધીધામ)એ પણ જણાવ્યું કે, હાલે પુસ્તકો પાઠયપુસ્તક મંડળે દાખલ કર્યા છે. હાલે 20 ટકા કમિશન આપે છે જ્યારે ગુજરાત રાજ્ય પાઠયપુસ્તક મંડળ હજુ 12.50 ટકા જ આપે છે જે કમિશન વધારવા માટે સમગ્ર ગુજરાતના વેપારીઓની માગણી બુલંદ બનશે. જીતુભાઈ જૈન (ગાંધીધામ)એ નોટબુક ઉત્પાદન કંપનીઓ ડાયરેક્ટ સંસ્થાઓને નોટબુકો આપે છે જે સંસ્થાઓ પણ રાહતભાવથી વિતરણ કરે છે. તેવી રીતે કચ્છ જિલ્લા સ્ટેશનરી એસોસિયેશન દ્વારા પણ નોટબુકો બનાવી અને વિતરણ કરવું જોઈએ. દિલીપભાઈ ચાવડા (અંજાર)એ પણ તમામ માલ એમ.આર.પી. ઉપર જ વેચાણ કરવું તેમજ પ્રત્યેક દુકાનેથી પ્લાસ્ટિકની થેલીઓમાં માલ આપવાનું બંધ કરવું સહિતના વિવિધ સૂચનો કર્યા હતા. અન્ય વેપારીઓમાં ઈન્દ્રભાઈ મહેતા (ભુજ), શાંતિભાઈ જૈન (ભુજ), અશ્વિનભાઈ મણિયાર (માંડવી), મહેન્દ્રભાઈ જૈન (ગાંધીધામ), અશોકભાઈ ખોડિયાર (અંજાર), પ્રવીણસિંહ જાડેજા (રાપર), સંજયભાઈ પટેલ (અંજાર) વગેરે વેપારીઓએ ચર્ચામાં ભાગ લઈ વિવિધ સૂચનો કર્યા હતા. સર્વાનુમતે એવો નિર્ણય લેવામાં આવ્યો કે કચ્છના તમામ સ્ટેશનરી અને બુક સેલર્સના વેપારીઓએઁ પ્લાસ્ટિક ઝબલામાં માલ આપવો નહીં. આગામી સમયમાં જીએસટીના દરમાં સુધારો કરી સ્કૂલ સ્ટેશનરી અને વિદ્યાર્થી ઉપયોગી સ્ટેશનરીમાં 5 ટકા જીએસટી રાખવા કેન્દ્ર સરકારને રજૂઆત કરવી. મિસપ્રિન્ટ અને ખરાબ પુસ્તકો પાઠયપુસ્તક મંડળ પરત લઈ લે તેમજ ખાનગી પ્રકાશનો દ્વારા પણ અંગ્રેજી માધ્યમના પુસ્તકો પણ પરત લઈ લે તે માટે ધોરણો નક્કી કરવા. હાલે પાઠયપુસ્તકો અમદાવાદથી મગાવે છે જેથી મોટું નુકસાન થાય છે. જેથી કચ્છમાં ડેપો શરૂ કરી અને કચ્છમાં જ પાઠયપુસ્તકોનું વિતરણ કરવું. સંચાલન અને આભારદર્શન કેતનભાઈ ગઢવીએ કર્યા હતા. ઉપપ્રમુખ દિલીપભાઈ ચાવડાએ આવકાર આપ્યો હતો. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer