લોદ્રાણીમાં માથાભારે તત્ત્વોએ પચ્ચાસેક બોર બનાવી નાખ્યા

ભુજ, તા. 12 : રાપર તાલુકાના લોદ્રાણી ગામે ચાલુ ચોમાસાં દરમ્યાન વરસાદ પડેલો નથી. ગામના માથાભારે ઈસમોએ આશરે ચાલીસથી પચાસ ગેરકાયદે બોર બનાવેલ છે. જેના કારણે કેનાલ વિસ્તારમાં આવતા ખેડૂતોની દસ વર્ષથી રોજી રોટી છીનવાઈ ગઈ છે. જો કેનાલ વિસ્તારમાં આવતા ખેડૂતો રજૂઆત કરે છે તો આ ઈસમો ધમકી આપે છે તેવું લોદ્રાણી પિયત સહકારી મંડળીએ જણાવ્યું છે. સિંચાઈ વિભાગ તરફથી છેલ્લા દસ વર્ષથી કેનાલની સફાઈ કરવામાં આવતી નથી. પરંતુ સિંચાઈ વિભાગને આ ગેરકાયદેસર પાણીચોરી કરવાવાળા તરફથી મોટા આર્થિક વહેવાર કરવામાં આવે છે. જેના કારણે આ પ્રવૃત્તિને પ્રેરણા મળે છે તેવા આક્ષેપ ઊઠયા છે.  હક્કદાર ખેડૂતોને પાણી મળતું નથી જેથી હક્કદાર ખેડૂતો અન્ય કોઈપણ અવિચારી પગલું ભરે તે અગાઉ સિંચાઈની રાપર સ્થિત કચેરી યોગ્ય કરી કેનાલ સાફ કરી તથા ગેરકાયદેસર બોરનું પૂરાણ કરે તેવી માગણી પણ લોદ્રાણી પિયત સેવા સહકારી મંડળીએ કરી હતી. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer