વિવિધ લોકનૃત્ય, કચ્છી સંગીત સાથે એલ.એલ.ડી.સી.નો મંચ ગાજશે

અજરખપુર, તા. 12 : 19થી 23 જાન્યુઆરી દરમિયાન અજરખપુર ખાતે એલ.એલ.ડી.સી. કેમ્પસમાં યોજાનારા લોકસાંસ્કૃતિક મહોત્સવ એલ.એલ.ડી.સી. ફોક ફેસ્ટિવલ પ્રસ્તુત નમસ્તે (નોર્થ ઇસ્ટ ઇન્ડિયા કલ્ચરલ ફઁિસ્ટવલ)ની તડામાર તૈયારીઓ પૂરજોશમાં ચાલુ છે. દરરોજ સાંજે 4થી રાત્રિના 10 સુધી એલ.એલ.ડી.સી. ક્રાફટ મ્યુઝિયમનું કોમ્પસ ધમધમી ઊઠશે. કચ્છ અને નોર્થ-ઇસ્ટના સાંસ્કૃતિક આદાન-પ્રદાન સમા કચ્છમાં પ્રથમ જ યોજાઇ રહેલા આ ફેસ્ટિવલમાં નાગાલેન્ડના ગર્વનરના સહયોગથી નોર્થ-ઇસ્ટ રાજ્યોના સુપ્રસિદ્ધ લોકનૃત્યોના ગ્રુપ પોતાના લાક્ષણિક લોકનૃત્યો રજૂ કરશે. આ મહોત્સવ દરરોજ જુદા જુદા કચ્છી લોકસંગીતના લોકકલાકારોની વિવિધ રજૂઆતોથી ગુંજી ઊઠશે, જેમાં કચ્છી લોકગીતો, આરાધીવાણી, કચ્છી કાફી, ભેથ, વાઇ, મોલુદ તથા સૂફી ગાયકી રંગ જમાવશે. કોક સ્ટુડિયો અને માટીબા ફેઇમ  મુરા લાલા મારવાડા, કચ્છી કાફી, ગઝલ અને લોકસંગીતના માહિર ઇસ્માઇલભાઇ પારા, મીઠાખાન જત, મુસ્તફા જતનું ગ્રુપ, નૂરજહાં આરબ અને વાલબાઇ ગઢવીના લોકગીતો, ભજનો, કચ્છની લોકસંગીત ક્ષેત્રે પ્રસિદ્ધ સંસ્થા કલાવારસો ટ્રસ્ટના ભારમલભાઇ સંજોટના પ્રસિદ્ધ કલાકારો નામેરી પરમાર, શંકર બારોટ, ગીતાબેન ભીલ, દાના ભારમલ વગેરેની લોકસંગીતની રમઝટ તથા કચ્છી ફોક ફયુઝન મ્યુઝિકનું પ્રગતિ મહેતા, વિપુલ મહેતાના કલાશ્રી  ગ્રુપની વિવિધ રજૂઆતો સંગીતપ્રેમીઓને રસતરબોળ કરશે. કચ્છની સીદી ધમાલ, ભુજનું ઝનકાર ડાન્સ ગ્રુપ લોકસાંસ્કૃતિક નૃત્યનાટિકા `કચ્છનો ધબકાર' રજૂ કરશે અને કચ્છદર્શન કરાવશે. કોઠડાના સોનલ શક્તિ ગ્રુપની સતરાંધ, ઢોરીની વિખ્યાત બંસીધરી રાસ મંડળીના આહીરરાસ અને અઠીંગોરાસ, પૂર્વી લોકકલા કેન્દ્ર ભુજ દ્વારા વાઘડિયા લોકનૃત્યો તથા સુપડા નૃત્ય, માતા આર.ડી. વરસાણી કુમાર વિદ્યાલયના તરવરિયા કુમારો મણિયારો રાસ અને પિરામિડ જેવા કરતબો, ઇન્દ્રાબાઇ ગર્લ્સ હાઇસ્કૂલની વિદ્યાર્થિનીઓ કચ્છની વિવિધ કૃતિઓ દ્વારા કચ્છની સંસ્કૃતિ ઉજાગર કરશે. છેલ્લા દિવસે અનેક રાષ્ટ્રીય પુરસ્કારો મેળવેલી માધાપરની નૂપુર ડાન્સ એકેડેમી વિવિધ નૃત્ય રચનાઓ રજૂ કરશે.મહોત્સવના મુખ્ય પ્રોજેકટ યુ.પી.એલ. લિમિટેડ, સહપ્રાયોજક, ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, ધનવલ્લભ ચેરિટેબલ ટ્રસ્ટ (આરતી ગ્રુપ), એકસેલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, તેમજ સહયોગી એકસેલ ક્રોપકેર લિમિટેડ, લીલાધર પાસુ ફરવર્ડ્સ લિમિટેડ, ટ્રાન્સ્પેક સિલોક્ષ ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લિ. અંશુલ સ્પેશિયાલિટી મોલેકયુલસ પ્રા.લિ., તેમજ મીડિયા પાર્ટનર કચ્છનું સુપ્રસિદ્ધ દૈનિક કચ્છમિત્રનો સાથ સહકાર મળ્યો છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer