ભુજમાં રોટરી ક્લબ દ્વારા આઠ દિ'' માટે પક્ષી બચાવ કેન્દ્ર ઊભું થશે

ભુજ, તા. 11 : રાજ્ય સરકાર દ્વારા મકરસંક્રાતિ પર્વ નિમિત્તે ઘોષિત થયેલા `કરુણા અભિયાન' અંતર્ગત ભુજ રોટરી ક્લબ દર વર્ષની માફક ચાલુ સાલે પણ તેમાં જોડાઈને પર્વના આઠ દિવસ માટે પક્ષી બચાવ કેન્દ્ર ઊભું કરશે. રોટરી પ્રમુખ પ્રફુલ્લ ઠક્કરના જણાવ્યા મુજબ રાજ્ય સરકારના પશુપાલન વિભાગ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથેના સહિયારા પ્રયાસોથી રોટરી દ્વારા જિલ્લા મથકે ભાનુશાલીનગર તરફના ભુજ હાટની બાજુમાં આવેલા પશુ દવાખાના ખાતે આઈ.સી.યુ. યુનિટ સહિતની અદ્યતન ટેક્નિલોજીસભર માવજત કેન્દ્ર ઊભું કરાશે, જ્યાં સામાન્ય ઈજાથી લઈને ગંભીર રીતે ઘાયલ થયેલા પક્ષીઓ વિવિધ કલેક્શન સેન્ટરો પરથી અહીં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ખસેડવામાં આવશે. જ્યાં પશુ-પક્ષીઓની સારવાર માટે ડો. કુલદીપ છાટપાર અને ડો. હરેશ ઠક્કરની આગેવાની હેઠળ રાજ્ય અને પંચાયત સેવાના પાંચ તજજ્ઞ ડોક્ટરોની ટીમ ખડેપગે અવિરત સેવા આપશે. આ આઈ.સી.યુ. યુનિટ આઠ દિવસ માટે ચાલુ રખાશે. રોટે. સુરેશ મણિલાલ ઠક્કરના જન્મદિવસની અનોખી ઉજવણીના ભાગરૂપે દર વર્ષે યોજાતા આ સેવા કેમ્પ ચાલુ સાલે તા.13મી જાન્યુઆરીના સવારે 9.30 વાગ્યે ખુલ્લો મુકાશે. જે માટે સ્વામિનારાયણ સંતો ઉપરાંત ધારાસભ્ય નીમાબેન આચાર્ય, ભુજ નગરપાલિકાના પ્રમુખ લતાબેન સોલંકી, ઉપપ્રમુખ ડો. રામ ગઢવી, કારોબારી ચેરમેન ભરત રાણા, સાદિદ મુંજાવર (આઈ.એફ.એસ.) નાયબ વન સંરક્ષક, જિલ્લા પશુપાલન નિયામક ડો. કે.જી. બ્રહ્મછત્રીય, મદદનીશ વન સંરક્ષક અતુલ દવે સહિતના અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.  રોટરી મંત્રી ડો. ઉર્મિલ હાથીએ પૂરક માહિતી આપતાં જણાવ્યું હતું કે, આઠ દિવસ ચાલનાર આ કરુણા અભિયાન માટે ઈમરજન્સી હેલ્પલાઈન નંબર 75749 55212 (એસ.આર. રાઠોડ) તથા 94264 53678 (ડો. કુલદીપ છાટપાર) રહેશે.  

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer