શ્વેતરણનાં આકાશમાં સર્જાઇ પતંગોની રંગોળી

શ્વેતરણનાં આકાશમાં સર્જાઇ પતંગોની રંગોળી
ભુજ, તા. 11 : કચ્છના પ્રખ્યાત સફેદરણ ધોરડો ખાતે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ અને વહીવટી તંત્રના સહયોગથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 12 દેશોના 48 સહિત દેશના અલગ-અલગ રાજ્યોના પતંગબાજોએ અવનવા આકાર-પ્રકારના પતંગ ચગાવી આભમાં રંગબેરંગી પતંગોથી રંગોળી સર્જી દીધી હતી.ધોરડો વોચટાવર ખાતે આયોજિત ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ-2019ને આકાશમાં બલૂન છોડીને જિલ્લા કલેકટર રેમ્યા મોહને ખુલ્લો મૂકયો હતો.   આ અવસરે કાર્યક્રમના અધ્યક્ષ પદેથી તેમણે આ પ્રસંગે દેશ-વિદેશના પતંગબાજોને કચ્છમાં રાજ્ય સરકાર, વહીવટી તંત્ર અને પ્રવાસન વિભાગ વતી સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લાં 30 વર્ષથી યોજાઇ રહેલા પતંગ મહોત્સવમાં શરૂઆતમાં ફકત બે દેશોના સાત વિદેશી મહેમાનોથી પ્રારંભ કરાયો હતો, જેનો વ્યાપ વધીને આજે કચ્છમાં જ 12 દેશોના 48 કાઇટિસ્ટો સહિત દેશના 6 રાજ્યોમાંથી 31 પતંગબાજો આવ્યા છે. ધોરડો ખાતે ફ્રાંસના-4, જર્મનીથી-ર, હંગેરીથી-4, ઇઝરાયેલના-6, ઇટાલીના-પ, કેન્યાથી-ર, કોરિયા રિપબ્લિકના -4, કુવૈતના-3, લિથુઆનિયાથી -7, મલેશિયાના-ર અને ઇન્ડોનેશિયાથી-4 કાઇટિસ્ટો ઉપરાંત કેરાલાના-4, પંજાબથી-3, રાજસ્થાનથી-8, તામિલનાડુના-7, લખનૌથી- 4 અને ઉત્તરાખંડના પ પતંગબાજો ધોરડોનામહેમાન બન્યા હતા. આ પ્રસંગે ઉત્તરપ્રદેશથી આવેલા કાઇટિસ્ટ માલાબેન શ્રીવાસ્તવે પોતાના પ્રતિભાવ વ્યકત કરતાં જણાવ્યું હતું કે, તેમની પાસે વર્ષો પહેલાંના ઐતિહાસિક પતંગોનું કલેક્શન પણ છે. જેમાં સૌથી જૂનો પતંગ 1899નો પણ ઉપલબ્ધ હોવાનું અને તેમના પિતા બી.પી. શ્રીવાસ્તવનું કલેકશન સાચવી રાખ્યા હોવાનું અને ધોરડોમાં લાવ્યા હોવાનું જણાવી તેનાથી આવનારી પેઢીને જાણકારી મળી રહેશે તેવી આશા દર્શાવી કાગળનો પતંગ અને દોરાથી બાંધીને શું નથી કરી શકાતું તેવો સંદેશ આપતો એક કિસ્સો કહી સંભળાવ્યો હતો. લખનૌમાં સાયમન કમિશનની બેઠક ચાલી રહી હતી તેમાં કોઇ પણ વ્યકિતને અંદર પ્રવેશવાની મનાઇ ફરમાવવામાં આવી હતી. તે સમયે પતંગના માધ્યમથી `સાયમન કમિશન  ગો બેક'નો સંદેશ મોકલાયો હતો, તે પતંગ તેમના કલેકશનમાં હોવાનું જણાવી જિલ્લા કલેકટર રેમ્યા મોહનને પોતાનું કલેકશન બતાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેકટર રેમ્યા મોહને દેશ અને વિદેશી પતંગબાજોના સ્ટોલમાં જઇ મુલાકાત લઇ પ્રવાસીઓનું અભિવાદન કર્યું હતું. કલેકટર અને મંચસ્થોના હસ્તે દેશ-વિદેશથી આવેલા કાઇટિસ્ટોનું કચ્છી શાલથી સ્વાગત-સન્માન કરાયું હતું.  કાર્યક્રમના પ્રારંભે ભુજ પ્રાંત અધિકારી આર.જે. જાડેજાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ભુજ તાલુકા પંચાયત અધ્યક્ષ હરીશભાઈ ભંડેરી, ધોરડોના સરપંચ મિયાંહુસેન ગુલબેગ, મહામંત્રી જેમલભાઈ રબારી  ઉપસ્થિત રહ્યા હતા. પશ્ચિમ કચ્છના ઇન્ચાર્જ પોલીસ જે.કે. જેસ્વાલ, ડીવાયએસપી શ્રી પંચાલ તેમજ પ્રવાસનના અધિકારીઓ  સહિત વહીવટી તંત્રના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન પંકજભાઈ ઝાલાએ કર્યું હતું.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer