ભુજમાં પરમાર્થથી પતંગ પર્વની ઉજવણી

ભુજમાં પરમાર્થથી પતંગ પર્વની ઉજવણી
ભુજ, તા. 11 : કોઈનો પતંગ કાપીને `એ કાયપો છે'ની ચિચિયારીઓથી ધાબાં-અગાસીઓ ગજવતા આપણે સૌને જેટલો આનંદ થાય છે ને એવો જ આનંદ કોઈના કષ્ટ કાપીને પણ મળી શકે, તેવો સુંદર સંદેશ શહેરના સહયોગ ગ્રુપના યુવા સ્વયંસેવકો સમાજને આપી રહ્યા છે.  લાયન્સની એલએનએમ હોસ્પિટલના સહયોગથી છેલ્લાં પાંચ વર્ષમાં પતંગ-ફીરકીનું વેચાણ કરીને કિડનીના દર્દીઓને ડાયાલિસીસની ખર્ચાળ સારવાર માટે પોણા ચાર લાખ રૂપિયાથી વધુનું ભંડોળ એકઠું કરી આપનાર `સહયોગ ગ્રુપ' પરમાર્થથી પતંગ પર્વની અનોખી ઉજવણી કરી  રહ્યું છે. કંપનીઓના સીઈઓ, બેન્કર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, મોટા વેપારી, સોફ્ટવેર એન્જિનીયર જેવા વિવિધ યુવા વ્યવસાયીઓના આ ગ્રુપે આ વખતે પાંચમા વર્ષે પણ પ્રેરક પરંપરા પાળતાં પાંચ લાખ રૂપિયાથી વધુ સુધી ભંડોળ પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું છે. ભુજ શહેરના ટાઉનહોલ પાસે એક સ્ટોલ ઊભો કરીને પતંગ-ફીરકીનું વેચાણ કરતા આ ગ્રુપ દ્વારા તમામ ગ્રાહકોને એલએનએમ હોસ્પિટલની પાકી પહોંચ અપાય છે, જે 80-જી તળે 50 ટકા કરમુક્ત છે.  પાંચ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આ વખતે પ્રથમ 500 ગ્રાહકોને આયોજક સંસ્થાઓ તરફથી સરપ્રાઈઝ ગિફ્ટની આકર્ષક યોજના રખાઈ છે, તેવું સહયોગ ગ્રુપના વ્યવસાયે સોફ્ટવેર એન્જિનીયર રિતેશ મહેતાએ જણાવ્યું હતું. લાયન્સના મોવડી ભરતભાઈ મહેતાએ આ પ્રવૃત્તિના ગ્રુપના વિચારને વધાવી લેતાં કહ્યું હતું કે, કોઈ જાતની ચિંતા ન કરો. તેમનો પૂરતો સહયોગ મળી રહ્યો છે.  દર વર્ષે આવતા ગ્રાહકોના ડેટાબેઝ તૈયારી કરી, એ તમામ લોકોને દર વખતે સ્ટોલના એસએમએસ મોકલાય છે. અત્યાર સુધી 2500થી વધુ લોકોનાં નામ નોંધાઈ ચૂક્યાં છે. પરેશભાઈ પતંગવાળા તરફથી સુંદર સહયોગ મળતો રહે છે.  આ રીતે `પ્રાસંગિક પરમાર્થ' ઉપરાંત, કિડનીની બીમારી થાય જ નહીં, તેની તકેદારી રૂપે દરિદ્રનારાયણ પરિવારોને નિયમિત મિનરલ વોટરના બાટલા વિનામૂલ્યે પહોંચાડવાની પ્રવૃત્તિ ઉપરાંત, ગરીબ કુટુંબોને દવા, રાશન પૂરાં પાડવાની પ્રવૃત્તિ પણ સહયોગ ગ્રુપ દ્વારા થતી રહે છે.  સહયોગ ગ્રુપના પંક્તિ હિતેશ મહેતા, માધવી મૌલિક ભણસાળી, ખ્યાતિ બ્રિજેશ આચાર્ય, મીરાં ઉમંગ ઠક્કર, દીપા જતિન મોરબિયા, ઉર્મિ જિગર મહેતા, સોનમ ધરમ ઈસાણી, શૈલજા પુનિત સોની, વૈશાલી ધર્મેશ ચાવડા, જિજ્ઞા હિતેશ કોરડિયા, ચેતનાબા અજિત સિસોદિયા, અલ્પા જિતેન રાઠોડ, ચાંદની નવનીત ઠક્કર, ઉપરાંત યશ, ગાયત્રી, ઝીલ અને વિશાલ સહિતના કાર્યકરો આ સમાજોપયોગી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer