નગરસેવકોએ સમયાંતરે પોતાના વિસ્તારની કિશોરીઓ અને મહિલાઓના મુદ્દે ગંભીરતાથી બેઠકો યોજવી જોઈએ

નગરસેવકોએ સમયાંતરે પોતાના વિસ્તારની કિશોરીઓ અને મહિલાઓના મુદ્દે ગંભીરતાથી બેઠકો યોજવી જોઈએ
ભુજ, તા. 11 : કિશોરીઓને સલામતી મળે અને એમનાં સપનાઓને પાંખ મળે એ માટે તંત્ર, સંસ્થા અને સમાજ કાર્યશીલ બને એ હેતુ સાથે સતત ચોથા વર્ષે `કચ્છ મહિલા વિકાસ સંગઠન' અને `સખી સંગિની' દ્વારા ભુજમાં `િકશોરીઓનો કલરવ' કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ અવસરે જે દીકરીઓ છકડો ચલાવવાની તાલીમ મેળવી ચૂકી છે તેમને છકડા અર્પણ કરવા સહિતના કાર્યક્રમો યોજાયા હતા.ભુજ નગરપાલિકા પ્રમુખ લતાબેન સોલંકીની અધ્યક્ષતામાં આયોજિત કિશોરી મેળાને વૃક્ષને પાણી આપી નવતર રીતે ખુલ્લો મુકાયો હતો. કેએમવીએસના ડાયરેક્ટર અરુણાબેન જોષીએ પ્રસંગ પરિચય આપતાં જણાવ્યું હતું કે, આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય અનેક બંધનો છતાં પણ પોતાના સપનાંને સાકાર કરનારી કિશોરીઓની સંઘર્ષયાત્રા જાણવા તેમજ કિશોરીઓના સલામતી સહિતના મુદ્દે તંત્ર, સંસ્થા અને સમાજ સાથે મળી સંવાદ કરે એ છે. આ પ્રસંગે અમદાવાદ ખાતે છકડા ચાલકની તાલીમ મેળવી આવેલી કિશોરીઓએ કેવી રીતે સંઘર્ષ કરી પોતાના પરિવાર અને સમાજમાં દાખલો બેસાડયો તેની વાત રજૂ કરી હતી. આ સાથે તાલીમબદ્ધ થયેલી દેવીપૂજક પરિવારની બે દીકરીઓ ચાંદનીબેન અને આશાબેનને છકડાની ચાવી મહેમાનોના હસ્તે અર્પણ કરાઈ હતી. તાલીમ લેનારી કિશોરીઓને ભુજમાં ચાલતા `હોમ્સ ઈન ધ સિટી' પ્રકલ્પમાંથી ફેલોશિપ આપવામાં આવી હતી તેમજ અમદાવાદની ડ્રીમ ફાઉન્ડેશન તરફથી છકડો લેવા માટે વ્યાજમુક્ત લોન મેળવવામાં સહયોગ આપવામાં આવ્યો હતો.કેએમવીએસના અલકાબેન જાનીએ સમાજમાં એક સલામત વાતાવરણ ઊભું થાય જેમાં કિશોરીઓ પોતાની જાતે આગળ વધી શકે એ માટે શું કરી શકાય ? માલશ્રીબેન ગઢવીએ દરેક વિસ્તારમાં કિશોરીઓ અને મહિલાઓના મુદ્દે સમયાંતરે કાઉન્સિલરો સાથે બેઠક યોજવામાં આવે તેવા મુદ્દા આપ્યા હતા. આ મુદ્દાઓના પ્રત્યુત્તરમાં નગર અધ્યક્ષા લતાબેને નગરપાલિકા તરફથી કિશોરીઓનાં હિત માટે ઘટતું કરવાની ખાતરી આપી હતી.કારોબારી ચેરમેન ભરતભાઈ રાણાએ ભુજમાં 50 ટકા મહિલા છકડા ચાલકો તૈયાર થાય એવી ઈચ્છા દર્શાવી `નગરપાલિકા આપના દ્વારે' કાર્યક્રમની વાત કરી હતી. ટ્રાફિક પી.આઈ. જે.એમ. રાણાએ ભુજમાં મહિલા રિક્ષા સ્ટેન્ડ તેમજ રિક્ષાને ખાસ કલર આપી  `મહિલા સંચાલિત રિક્ષા' લખવા સહિત સૂચનો કર્યાં હતાં. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અખિલેશ અંતાણીએ દેના બેંકની `દેના ગ્રામીણ સ્વરોજગાર તાલીમ' અંતર્ગત જિલ્લા ઉદ્યોગ ભવનના સહયોગથી ભુજ ખાતે જ તાલીમની વ્યવસ્થા કરવામાં આવશે તેવી વાત મૂકી હતી. આ ઉપરાંત પ્રીતિબેન સોની, દેવીપૂજક સમાજના પ્રેમજીભાઈ વાઘેલા, કાઉન્સિલર ગોદાવરીબેન ઠક્કર, લતાબેન સચદે, એચઆઈસીના સ્ટીયરિંગ કમિટી મેમ્બર અરુણભાઈ વછરાજાની, સંદીપભાઈ વીરમાણી, ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાયે પણ વિચારો દર્શાવ્યા હતા. આ પ્રસંગે ભુજ સાયબર ક્રાઈમના જયેશભાઈ ઝાલાએ કિશોરીઓને મોબાઈલના ઉપયોગ, દુરુપયોગ વિશે માર્ગદર્શન આપ્યું હતું.આ પ્રસંગે નગરપાલિકાના પ્રતિનિધિઓ મંજુલાબેન ગોર, આયસુબેન સમા, સખી સંગિની પ્રમુખ હંસાબેન વાઘેલા, ફાતમાબેન જત, સેતુ અભિયાન, અર્બન સેતુ, સહજીવન સંસ્થાઓના પ્રતિનિધિ હાજર રહ્યા હતા. કેએમવીએસના કાર્યકરોએ વ્યવસ્થા સંભાળી હતી. જિજ્ઞાબેન ગોર અને વર્ષાબેને સંચાલન સંભાળ્યું હતું. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer