ખત્રી તળાવથી કેરા વાયા નારાણપર માર્ગે ઠેર ઠેર ભ્રષ્ટાચારના ખાડા; લોકોનો રોષ

ખત્રી તળાવથી કેરા વાયા નારાણપર માર્ગે ઠેર ઠેર ભ્રષ્ટાચારના  ખાડા; લોકોનો રોષ
કેરા (તા. ભુજ), તા. 11 : મુંદરા બંદર, તેર શિક્ષણ સંસ્થાઓ, કૃષિ પરિવહનના કારણે 24 કલાક વ્યસ્ત રહેતો ભુજ કેરા વાયા નારાણપર માર્ગ ખત્રી તળાવથી એચ.જે.ડી. કોલેજ સુધી સાવ ખખડધજ થઇ જતાં નવેસરથી બનાવવા માંગ ઊઠી છે. હાલ આ રસ્તે ઠેર ઠેર ખાડા પડી ગયા હોઇ રાહદારીઓ પરેશાની વેઠી રહ્યા છે. કચ્છના રસ્તાની ચળકાટ  હવે ભ્રષ્ટાચારના અતિરેકે ઝાંખી પડતી દેખાય છે. જિલ્લા પંચાયત હસ્તકના ખત્રી તળાવથી કેરા દ્વિમાર્ગે છેલ્લા એકાદ વર્ષથી  પડી ગયેલા ખાડાથી લોકો રોષે ભરાયા છે. આ વિસ્તારમાં આવેલી નિશાળોમાં વિદ્યાર્થીઓને અવર-જવરમાં ભારે મુશ્કેલી છે તો ટ્રેક્ટર, ટેમ્પા, છકડાના પાટા તૂટી જવાના બનાવો બન્યા છે.જખૌ બંદરેથી માતેલા સાંઢની જેમ મીઠું ભરી દોડતા ખટારા ખરાબ રસ્તાના કારણે સોડિયમ ક્લોરાઇની વેરણ-છેરણ કરે છે. જેના પગલે નારાણપર, કેરા, કુંદનપર ત્રણેય ગામોમાં રસ્તા પરના મકાનોમાં કાટ એટલે હદે લાગે છે કે, એકાદ વર્ષમાં લોખંડના દરવાજા નવા બનાવવા પડે છે. મુંદરાથી ભુજ આવતું પરિવહન બળદિયા અને ભારાપર ગામ વચ્ચેના માનવસર્જિત ટૂંપાના કારણે નારાણપર વચ્ચેથી નીકળવાનું પસંદ કરે છે. જેને લઇ સમસ્યા બેવડાય છે.છેલ્લા બે વર્ષમાં ત્રણ-વાર થીગડાં મરાયા છે. પણ ઠેકેદારે થીગડાંમાંય ભ્રષ્ટાચાર આચર્યો હોય તેમ એ પણ ટક્યા નથી. હાલ આ માર્ગ માથાનો દુ:ખાવો બન્યો છે.  અત્રે ઉલ્લેખનીય છે કે, તુલસાબેન વાઘજિયાણી જિ.પંચાયત સભ્ય હતા ત્યારે આ માર્ગમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ સાથે કામ બંધ કરાવ્યું પણ ઇજનેરોની મિલીભગતે લોકોના નાણાં વેડફાયાં હતાં.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer