પ્રાંથળના ખેડૂતોને નર્મદાનું પાણી આપો

પ્રાંથળના ખેડૂતોને નર્મદાનું પાણી આપો
રાપર, તા. 11 : સમગ્ર કચ્છમાં ચાલુ વર્ષે વરસાદ થયો નથી અને સમગ્ર જિલ્લો અછતગ્રસ્ત છે ત્યારે  રાપર તાલુકામાં પાણીની પરિસ્થિતિ અતિ વિકટ બની ગઇ છે. પીવાનાં પાણી તથા ખેતી માટે અત્યારે એકમાત્ર વિકલ્પ `નર્મદાના નીર' જ છે. રાપર તા.નો પ્રાંથળ વિસ્તાર હાલે નર્મદાના નીરથી વંચિત છે. મૌવાણા, શિવગઢ, બેલા, ધબડા, વ્રજવાણી, જાટાવાડા, ગઢડા રાસાજી, બાલાસર, વેરસરા, લોદ્રાણી તથા  શિરાવાંઢ ગામોમાં નર્મદાનાં પાણી મળે એ માટે આગેવાનોએ ભચાઉના અને હાલે માંડવી-મુંદરાના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી.રજૂઆતમાં જણાવાયું હતું કે, પ્રાંથળ વિસ્તારના આ ગામોમાં નર્મદાનાં પાણી પહોંચાડવા માટે 2 વિકલ્પ જેમાં માંજુવાસ કેનાલથી પાણી મૌવાણા પહોંચે અને પછી મૌવાણાથી સમગ્ર પ્રાંથળ વિસ્તાર અને છેક ખડીર વિસ્તાર સુધી કુદરતી ઢાળ હોવાથી ગ્રેવિટીથી પાણી પહોંચી શકે એમ છે.બીજા વિકલ્પમાં ફતેહગઢ કેનાલથી પાણી વ્રજવાણી ફાંસાસર તળાવમાં લાવીને વ્રજવાણીથી પમ્પિંગ કરીને ધબડા, ત્યાંથી કારીધાર, જાટાવાડા, ગઢડા રાસાજી, લોદ્રાણી, ચુનડી ડેમ તથા શિરાવાંઢ વાછડાદાદા થઇને છેક ખડીર સુધી ગ્રેવિટીથી જ પાણી પહોંચી શકે એમ છે. આ અંગેનો પ્રાથમિક સર્વે પણ અગાઉ થઇ ગયો છે. પરંતુ હજુ સુધી કોઇ પ્રગતિ થઇ ન હોઇ ધારાસભ્ય પાસે તાત્કાલિક આ પ્રોજેક્ટ શરૂ થાય એ માટે સમગ્ર પ્રાંથળ વિસ્તારના પ્રતિનિધિમંડળે રજૂઆત કરી હતી. પ્રતિનિધિમંડળમાં કેશુભા વાઘેલા, મહેન્દ્રસિંહ વાઘેલા, રામજીભાઇ ચાવડા, ભૂપતસિંહ વાઘેલા, દાનાભાઇ કાગ, નટુભા સોઢા, આંબાભાઇ ચાવડા, માદેવાભાઇ, ધનજીભાઇ ચાવડા, ગણેશભાઇ, વેલુભા વાઘેલા જોડાયા હતા.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer