આરટીઓમાં ઓનલાઇન પ્રણાલી સામે રાવ

ભુજ, તા. 11 : અવારનવાર ચર્ચા અને વિવાદમાં રહેતી પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરી (આરટીઓ)માં તમામ કામગીરી ઓનલાઈન થયા બાદથી સતત તેમાં વિક્ષેપો આવતા હોવાથી લોકોની પરેશાની ઘટવાની જગ્યાએ ઊલટી વધી હોવાની ફરિયાદ સામે આવી છે. ઓનલાઈન ઠપ થવું એ કચેરીનો રોજિંદો ક્રમ થઈ ગયો હોવા ઉપરાંત તેના કાયમી ઉકેલ માટે કોઈ કામગીરી થઈ નથી રહી હોવાની રાવ આ સિસ્ટમમાં સતત પરેશાની ભોગવી રહેલો વર્ગ કરી રહ્યો છે. દરમ્યાન, આરટીઓમાં આજે ઓનલાઈન કામગીરી સુમેળે ચાલી હતી અને કોઈ જ વિક્ષેપ આવ્યો ન હોવાનું સિનિયર ઇન્સ્પેક્ટર શ્રી બામણિયાએ જણાવ્યું હતું. લોકો અને અમુક એજન્ટોના જણાવ્યા મુજબ, આરટીઓમાં તમામ વ્યવહારો ઓનલાઈન કરાયા બાદથી સતત તેમાં વિક્ષેપ આવી રહ્યો છે. આ વર્ગની ફરિયાદ મુજબ, લોકોને કચેરીના સમય દરમ્યાન જ આ તકલીફ વેઠવી પડતી હોવાથી તેમની હાલાકીનો પાર રહેતો નથી. ફરિયાદ મુજબ, પહેલાં એકાદ-બે વખત ઓનલાઈન સિસ્ટમ ઠપ રહેતી હતી, પરંતુ થોડા દિવસથી આ સમસ્યા દરરોજની બની છે અને જ્યારે પણ કચેરીના અધિકારી સમક્ષ ફરિયાદ કરાય છે ત્યારે જવાબદારીની ફેંકાફેંક કરાતી હોવાનો આક્ષેપ પણ ઊઠ્યો હતો. આ વર્ગે કહ્યું કે, જ્યારે પણ ફરિયાદ કરાય છે ત્યારે એક જ જવાબ અપાય છે કે નેટ નથી. અન્ય કચેરીઓમાં મેન્યુઅલ રસીદ કાઢી આપવામાં આવતી હોય છે, પરંતુ અહીંની આરટીઓ કચેરીમાં આવી રસીદો પણ અપાતી ન હોવાથી એક મોટો વર્ગ અત્યારે પરેશાનીનો સામનો કરી રહ્યો છે. આરટીઓ અંગત રસ લઈને સમસ્યાનું નિવારણ કરે તેવી માંગ ઊઠી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer