ભુજ સુધરાઇ ખેંગાર બાગની હવા ખાશે

ભુજ, તા. 11 : શહેરમાં લોકોના હરવા-ફરવા માટે માંડ બેથી ત્રણ બાગ સારી સ્થિતિમાં છે ત્યારે સુધરાઇ કચેરીના નવનિર્માણ માટે હાલ કાર્યરત કચેરીની શાખાઓને ખેંગાર બાગમાં ખસેડવા ચક્રો ગતિમાન થતાં શહેરીજનોમાં ચિંતા ફેલાઇ છે.  સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા લાંબા સમયથી ભુજ સુધરાઇની નવી કચેરી બનશે તેવી વાતો સમયાંતરે થતી રહે છે ત્યારે પાંચેક માસ પહેલાં બદલેલી ટર્મમાં હોદ્દા પર આવેલા શાસકોએ નવી કચેરી નિર્માણની જાહેરાત કરી હતી. આમ તો તંત્ર પાસે અનેક જગ્યા હોવા છતાં સુધરાઇને એક પણ સ્થળ મળ્યું નહોતું અને અંતે ખેંગાર બાગને નજરાવાયો હતો અને આગામી કારોબારીમાં કચેરી ખસેડવાનો નિર્ણય પણ લેવાય તેવું જાણવા મળ્યું છે. આમ તો ભુજમાં બાગ અનેક છે પણ તેને લોકોપયોગી બનાવવાની તસ્દી સુધરાઇ દ્વારા નથી લેવાઇ અને તેમાંય જ્યાં રવિવારે અને તહેવારોના દિવસોમાં માનવ મહેરામણ ઊમટે છે એવા ખેંગાર બાગમાં સુધરાઇ કચેરી શરૂ થશે તો લોકોની સુવિધાને અસર પહોંચશે. અરજદારો અને સ્ટાફની સતત અવર-જવર, રસ્તા, પાણી, ગટર સહિતના મુદ્દે મોરચા આવવાથી બાગમાં નિરાંતની પળ માણવા પરિવાર સાથે આવનારા લોકોની શાંતિ છીનવાઇ જશે તેવી ભીતિ જાગૃતો વ્યકત કરી રહ્યા છે.  નવાઇની વાત તો એ છે કે, તંત્રનો જ એક ભાગ હોવા છતાં સુધરાઇ કચેરીને શહેરમાં કોઇ જગ્યા ફાળવાતી નથી અને લોકોના હરવા-ફરવાના સ્થળો પર સુધરાઇ સ્થળાંતર થાય તે કેટલા અંશે યોગ્ય કહેવાય તેવો સવાલ પણ લોકોમાં ઊઠયો છે.  

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer