ડીપીટીની અગ્નિશમન સેવા વ્યક્તિગત કિસ્સામાં મફત પૂરી પાડવાનો નિર્ણય

ગાંધીધામ, તા. 11 : અહીંના દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળની આજે મળેલી બેઠકમાં અગ્નિશમન સેવાના દરો વધારવાનો ઠરાવ પડતો મૂકીને સંકુલની આસપાસ અપાતી વ્યક્તિગત કિસ્સાની અગ્નિશમન સેવા મફત આપવાનો મહત્ત્વનો નિર્ણય લેવાયો હતો. ઉપરાંત 8મી ઓઈલ જેટીના 90 કરોડના ટેન્ડર સહિતના અન્ય ઠરાવોને બહાલી અપાઈ હતી. ઈન્ચાર્જ ચેરમેન સંજય ભાટિયાની અધ્યક્ષતામાં મળેલી આ બોર્ડ બેઠકમાં અગ્નિશમન સેવાઓના ચાર્જમાં વધારો કરવાની દરખાસ્ત રજૂ થઈ હતી. લેબર ટ્રસ્ટીઓ મનોહર બેલાણી તથા એલ. સત્યનારાયણે ખરેખર તો આવી સેવા નિ:શુલ્ક હોવી જોઈએ તેના બદલે તેના દરોમાં વધારો કરવો વાજબી ન હોવાનું કહ્યું હતું.  ચેરમેને આ વાત સ્વીકારીને ભાવ વધારાની દરખાસ્ત પડતી મૂકી હતી અને સાથેસાથે કંડલા બંદર ઉપરાંત બહારના અન્ય વિસ્તારોમાં અપાતી અગ્નિશમન સેવા વ્યક્તિગત અને નાના વેપારી દુકાનદારોના કિસ્સામાં મફત આપવા નિર્ણય લીધો હતો. અલબત્ત, સંકુલના મોટા અને પ્રતિષ્ઠિત હોય તેવાં સંસ્થાનની પાસે નિયત ચાર્જ વસૂલાશે. દરમ્યાન કંડલાની ઓઈલ જેટી નં. 8ના બાંધકામ અર્થે આવેલું 90 કરોડનું ટેન્ડર બહાલ રખાયુ હતું. અલબત્ત, આ કિસ્સામાં હજુ પર્યાવરણીય મંજૂરી મળવાની બાકી છે. સતસેડા બેટ ઉપર 100 એકર વિસ્તારમાં ચેરિયાં વાવેતર માટે ગુજરાત ટેક્નોલોજીને વર્ષ 2018-19ના પ્લાન્ટેશન તથા 2019-20ની જાળવણી અર્થે રૂા. 45 લાખ મંજૂર કરાયા હતા.20 હજાર ચોરસ મીટરની સી.આર.એલ. ટેન્ક ફાર્મની લીઝ રિન્યૂઅલને પણ મંજૂરી અપાઈ ગઈ હતી, પરંતુ સીઆરએલ હવે વાર્ષિક બન્યું હોવાથી તે માટે જો સિક્યોરિટી ક્લીયરન્સ જરૂરી હોય તો તે મેળવવા તાકીદ કરાઈ હતી. પ્રેઝન્ટેશન ઓફ પોર્ટ એચિવમેન્ટ એન્ડ ફેસેલિટી નામક ડીપીટીની ડોક્યુમેન્ટરી બનાવાઈ છે તેને પણ આ બોર્ડ બેઠકમાં લીલીઝંડી અપાઈ હતી. ગાંધીધામમાં બનનારા ડો. આંબેડકર કન્વેન્શન સેન્ટર અર્થે આર્કિટેક્ચરલ ડિઝાઈનર- ચેન્નાઈની પેઢીને બહાલ રખાઈ છે અને તેની રિવાઈઝડ કોસ્ટ પણ મંજૂર કરાઈ હતી. આ ટ્રસ્ટી બોર્ડ બેઠકમાં ટ્રસ્ટીઓ આર.કે. મૃદુલી, એસ.બી. મિશ્રા પણ ઉપસ્થિત રહ્યા હતા. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer