કચ્છમાં ઈનપુટ સબસિડી શરૂ : 23 લાખની રકમ જમા

ભુજ, તા. 11 : કચ્છના અછતગ્રસ્ત ખેડૂતોને વરસાદ નહીં પડવાનાં કારણે થયેલી નુકસાનીના વળતરરૂપે સરકારે ઈનપુટ સબસિડી ચૂકવવાનો નિર્ણય કર્યો હોવાથી, અરજીઓ સ્વીકારવાનું ચાલુ છે ત્યાં બે દિવસમાં સહાય આપવાનું શરૂ થતાં બે જ દિવસમાં અબડાસા અને માંડવી તાલુકામાં 23 લાખથી વધારે સબસિડી કિસાનોના ખાતામાં પડી ગઈ છે. રાજ્ય સરકારે કચ્છના ખેડૂતો માટે રૂા. 247 કરોડની સબસિડીની રકમ ફાળવી હોવાનું તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કચ્છની મુલાકાત વખતે જ જાહેર કર્યું હતું. ડી.ડી.ઓ. શ્રી જોષીના કહેવા પ્રમાણે, અબડાસામાં 100 અને માંડવીમાં 100 એમ બન્ને તાલુકામાં બસ્સો ખેડૂતોના ખાતમાં સબસિડી જમા કરી દેવામાં આવી છે. કેટલી રકમ હશે એ સવાલ સામે તેમણે કહ્યું હતું કે, અબડાસામાં રૂા. 12.58 લાખ જ્યારે માંડવીમાં રૂા. 10.70 લાખની સબસિડી જમા કરાવવામાં આવી છે.  વધુમાં વધુ રૂા. 13,500ની સબસિડી પ્રત્યેક ખેડૂતને ચૂકવવામાં આવે છે, વારસદારો જો હોય તો આ કિસ્સામાં સંમતિ લેવામાં આવે છે પછી જ એ ખાતેદારના ખાતામાં રકમ જમા થશે.  આ કામગીરી કચ્છમાં જિલ્લા પંચાયત મારફતે કરવાની હોવાથી જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, કચ્છના લાભાર્થી ખેડૂતો પાસેથી તલાટી અને ગ્રામ સેવક મારફતે અરજીઓ  લેવાનું    શરૂ કરવામાં આવતાં અત્યાર સુધી 88 હજાર અરજીઓ તો આવી ગઈ છે.  અરજીઓ સ્વીકારવાની છેલ્લી તારીખ 15 જાન્યુઆરી રાખવામાં આવેલી છે અને જે અરજીઓ આવે છે તેની ચકાસણી પણ કરવામાં આવે છે. અરજી કરનારા બે જગ્યાએ જો માગણી કરતા હશે તો નિયમ પ્રમાણે બે હેક્ટરથી વધારે સહાય નહીં મળે તેમ તેમણે જણાવ્યું હતું.  ભૂતકાળમાં કચ્છમાં થયેલી ગેરરીતિને ધ્યાનમાં લઈ જિલ્લાકક્ષાએ એક વેબસાઈટ બનાવવામાં આવી છે. જ્યાં અરજી આવશે તેનું નિરીક્ષણ જિલ્લાકક્ષાએ પણ થઈ શકે તેવું આયોજન ગોઠવવામાં આવ્યું છે. ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે અને અરજી આપવામાં તકલીફ ન પડે તે માટે તલાટી તથા ગ્રામ સેવકોએ શનિ-રવિ રજાના દિવસોમાં પણ અરજીઓ સ્વીકારવાનું નક્કી કર્યું હોવાનું પણ જણાવીને તલાટી મંડળના સહકારને બિરદાવ્યો હતો.  વળી ગ્રાન્ટ પણ દરેક તાલુકાકક્ષાએ આપી દેવામાં આવી છે અને આ કામગીરીને પહોંચી વળવા અન્ય જિલ્લામાંથી 95 ગ્રામ સેવકોને મોકલવામાં આવ્યા છે. તલાટી તથા ગ્રામ સેવક સંયુક્ત રીતે કામગીરી કરી રહ્યા છે. 500 તલાટીઓ તેમજ બસ્સો ગ્રામ સેવકો આ રાજ્ય સરકારની સબસિડીની કામગીરીમાં જોતરાયેલા છે એમ જણાવીને આગામી એક સપ્તાહમાં સબસિડીની કામગીરી મોટાભાગે પૂર્ણ કરી દેવામાં આવશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer