ભુજના દાદા-દાદી પાર્કની જાળવણી તથા અસ્તિત્વ સામે ઊઠયા સવાલો

ભુજ, તા. 11 : સિનિયર સિટીઝનો દ્વારા દાદા-દાદી પાર્કની જાળવણી તથા અસ્તિત્વ સામે અનેક સવાલો સાથેનું આવેદનપત્ર સુધરાઈના મુખ્ય અધિકારીને આપ્યું હતું. જેમાં જણાવ્યા મુજબ ભુજ ખાતે અગાઉ લખોટા બાગ તરીકે ઓળખાતો દાદા-દાદી પાર્ક વર્ષ 2005થી વહીવટ અને સારસંભાળ માટે સાંઘી કંપનીને સોંપાયો છે. સાંઘી કંપનીની વેબસાઈટમાં દર્શાવાયા મુજબ આ પાર્કમાં દરરોજ 100 જેટલા સિનિયર સિટીઝન્સ મુલાકાત લે છે અને સવારથી તેઓને દૂધ-બિસ્કિટની સાથે વર્તમાનપત્રોની સગવડો પૂરી પડાય છે. પરંતુ તાજેતરમાં આ બાગને કોઈ પણ જાતની નોટિસ વિના તાળાં મારી દેવાયાં. હમીરસર તળાવના સુશોભીકરણ માટે ભુજ નગરપાલિકાને જે ગ્રાન્ટ ફાળવાઈ છે તેમાં દાદા-દાદી પાર્કમાં ટોયલેટ બનાવવાનું, ટૂરિસ્ટ ઈન્ફોર્મેશન સેન્ટર વિકસાવવાનું, ઈ.આઈ.નું કામ, ઓટા એન્ડ સ્ક્લ્પચર, કબિંગ એન્ડ સીટિંગ એન્ડ પ્લાન્ટ્સ તથા પાર્ક ડેવલપમેન્ટ વોક વે એન્ડ ગાર્ડન એરિયા એમ કુલ રૂા. 131.66 લાખના કામોની વહીવટી મંજૂરી ડિસ્ટ્રીક્ટ મ્યુનિસિપલ ઓફિસરના હુકમથી અપાઈ છે અને કુલ ખર્ચની 25 ટકા રકમ પણ નગરપાલિકાને ફાળવી દેવાઈ છે. પરંતુ 2005થી પાર્કમાં ટોયલેટની તથા મહિલાઓ માટે યુરિનલ બાથરૂમની અલગ વ્યવસ્થા નથી. આ બાબતે મુકુન્દ વોરા તથા અન્ય 32 સિનિયર સિટીઝન્સે ચીફ ઓફિસરને આવેદન આપ્યું છે. જેમાં કંપનીએ એમઓયુની શરતોનો ભંગ કરેલો છે કે કેમ તે તપાસવા, ભવિષ્યમાં જાહેર નોટિસ વિના બાગ બંધ ન રહે, કંપની તરફથી અપાતી સગવડો ફરી ચાલુ કરાવવા, રૂા. 131.66 લાખના કામો શરૂ થાય ત્યારે સિનિયર સિટીઝન્સને અન્યત્ર આવી જ સુવિધા આપવા, કંપની સાથે થયેલા એમઓયુ તથા કામના પ્લાન-એસ્ટિ. બાગમાં મૂકવા તથા કામો પૂર્ણ થયા બાદ દાદા-દાદી પાર્ક ચાલુ રહેશે કે કેમ ? તે અંગે સ્પષ્ટતા કરવા જણાવાયું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer