કાઠડા ગામે રોગચાળાના પગલે 8થી 10 પશુનાં મોતથી ચિંતા

કાઠડા (તા. માંડવી), તા. 11 : દુષ્કાળ અને અછત વચ્ચે તાલુકાના કાઠડા ગામે પશુધનમાં રોગચાળો આવતાં 8થી 10 પશુઓના તાત્કાલિક મોત થતાં માલધારીઓમાં ચિંતા ફેલાઈ છે, તો તંત્રે અલગ-અલગ પાંચ ટીમો બનાવી રસી આપીને જાગૃતતા દાખવી છે. આ અંગે માંડવી પશુ દવાખાનાના પશુ નિરીક્ષક ડો. ભોરણિયાનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે, આ ગામે જડસુઢા (એચ.એસ.) જેવો રોગ છે. જેના કારણે મોત થયું છે તેવું લાગી રહ્યું છે. જો કે, રસી અપાઈ હોવાથી હવે ચિંતાની વાત ન હોવાનું ઉમેર્યું હતું. ટીમમાં પશુ નિરીક્ષકો મેહુલ સોલંકી (શિરવા), વસંતભાઈ મોતા (બાગ-મસ્કા), આશિષભાઈ ધોળુ (પિયાવા), સૂરજભાઈ નાથબાવા (રાયણ), એન.કે. પરમાર (ગોધરા) સહિતના જોડાયા હતા. શ્રી સોલંકીનો સંપર્ક કરતાં તેમણે રોગના લક્ષણો કહ્યા હતા. માલધારી હરિભાઈ સિણાઈએ તેમની બે જર્સી ગાયના આ રોગના કારણે મોત થયાં છે, તો અન્યોની ગાયો મળી કુલ બેથી ત્રણ દિવસની અંદર આઠથી દસ ગાયોનાં મોત થયાં છે અને પોતાની વેદના વ્યક્ત કરી હતી. ગામના સરપંચ ભારૂભાઈ ગઢવી  તથા અગ્રણી અને ગ્રામ પંચાયત સદસ્ય વિરમ લાખુએ વોટ્સએપ ગ્રુપ મારફતે ગ્રામજનોને જાણ કરી અને એક દિવસ ગાયોને ચરિયાણ માટે સીમમાં ન મૂકવા જણાવ્યું હતું અને એક દિવસ આખા ગામ અને વાડીવિસ્તારમાં ઘર-ઘર ફરીને પશુ નિરીક્ષક દ્વારા 900થી વધુ પશુઓને રસી આપી દેવાઈ હોવાનું કહ્યું હતું.  

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer