નાની રાયણમાં 5 હજાર વર્ષ પૂર્વે માનવ વસવાટ હતો

નાની રાયણમાં 5 હજાર વર્ષ પૂર્વે માનવ વસવાટ હતો
જયેશ શાહ દ્વારા
માંડવી, તા. 10 : રૂકમાવતી નદીના કિનારે વસેલા નાની રાયણ ગામમાં ખેતીવાડી કે ખેત મજૂરી કરતા પપ0થી 600 માણસો વસે છે. આ સામાન્ય દેખાતા ગામમાંથી છેલ્લા પાંચ હજાર વર્ષથી થતા માનવ વસવાટના પુરાવાઓ મળી આવ્યા છે જે પુરાતત્ત્વ સંશોધકો માટે રોમાંચકારી ઘટના છે. છેક સિંધુ સંસ્કૃતિ કે જે માનવ સંસ્કૃતિમાં આદ્ય ગણાય છે ત્યાંથી કરી કચ્છના જાડેજા વંશના રાજવીઓ સુધી અને પછી આઝાદ ભારતનો તમામ ઈતિહાસ આ ગામેજોયો છે. માંડવીના એમ.બી.બી.એસ. અને પુરાતત્ત્વીય ક્ષેત્રે સંશોધક ડો. પુલિનભાઈ વસાએ આ ગામમાં સંશોધન કરી અનેક અલભ્ય  પ્રાચીન સંસ્કૃતિના તેમજ તે પછીના સમયના અવશેષો પ્રાપ્ત કર્યા છે. `ગુજરાત એન્ડ ધ સી' નામે 669 પાનાનું દળદાર પુસ્તક લંડન અને  દિલ્હીમાં ર010માં અંગ્રેજીમાં પ્રકાશિત  કરાયું હતું જેમાં નાની રાયણની સંસ્કૃતિ અંગેનો ડો. પુલિન વસાનો આર્ટિકલ પ્રકાશિત થયો છે. જે પરથી ર01પમાં લંડનના બ્રિટિશ મ્યુઝિયમના કયુરેટર રોબર્ટા ટોમ્બર ભારતીય પુરાતત્ત્વ નિષ્ણાતને લઈને સ્થાનિકે મુલાકાત લીધી ત્યારે ડો. પુલિનભાઈ વસાએ તેમને તમામ માહિતીઓથી વાકેફ કર્યા છે.  ર017માં સર્વેયરની ટીમ રેખાંશ-અક્ષાંશના માપ લેવા માટે સ્થાનિકે આવી. એમ.એસ. યુનિવર્સિટી બરોડાની ટીમ, બ્રિટિશ મ્યુઝિયમના રિસર્ચ સાયન્ટીસ્ટ સાથે ખાસ સર્વે કરવા આવતા દિવસોમાં નાની રાયણ આવી રહી છે અને તેઓ અહીં સંશોધન કરવાના છે. રોબર્ટા ટોમ્બર પાછળથી આવવાના છે.   ડો. વસાએ એક મુલાકાતમાં નાની રાયણમાં રિવર પોર્ટની શકયતા દર્શાવતાં જણાવેલ કે, વર્ષો પહેલાં ર.ર1 કરોડ ડોલરનો માલ ભારતમાંથી યુરોપ જતો હોવાનો ઈતિહાસ યુરોપના `પ્લીની' નામના ઈતિહાસકારની નોંધમાં   છે. વર્ષો પહેલાં માટીના કામો કેટલા મજબૂતાઈથી તેમજ કેટલી મોટી સાઈઝના બનતા તે પણ આ કચ્છની પ્રાચીન સંસ્કૃતિ ઉપરથી જાણવા  મળે છે.  વધુ માહિતી આપતાં ડો. વસાએ જણાવ્યું કે, ગુફામાનવ આજથી આસરે છ હજાર વર્ષ પહેલાં નદી કિનારે ખેતી કરતો અને મકાનો બાંધી સ્થાઈ રહેતો થયો. આવી જાતના સંસ્થાનો સુમેરમાં નેફ્રેટીસ અને ટાઈગ્રીસ નદીના કિનારે તેમજ ભારતમાં નદીના કિનારે વસ્યા હતા. આવા સુસંસ્કૃત માણસોએ સિંધુ નદીના પટમાં કિનારા પર પોતાનો ફેલાવો શરૂ કર્યો. પંજાબમાં (હડપ્પા) ગુજરાતમાં લોથલ વગેરે ઠેકાણે તેમણે વસવાટ શરૂ કર્યો. તે સમયે કચ્છ ભૌગોલીક રીતે સિંધ સાથે લગભગ જોડાયેલ હતું. પ્રાચીન સંસ્કૃતિનો ભારતમાં ફેલાવો કચ્છ રસ્તે થયો હતો એમ મનાય છે. કચ્છમાં દેશલપુર, ધોળાવીરા વગેરે સ્થળોએ   પ્રાચીન સંસ્કૃતિના અવશેષો જોવા મળ્યા છે.  તે પછીના સમયના આ કાળના અવશેષો ડો. પુલિન વસાને સંશોધન દરમિયાન નાની રાયણમાંથી મળ્યા છે. પ્રચલિત લોકવાયકા પ્રમાણે નાની રાયણ ખૂબ સમૃદ્ધ શહેર હતું. દાદા ધોરમનાથના શ્રાપને કારણે આખું શહેર દટાઈ ગયું. જે બનાવને  આજ પણ લોકો `દટણ સો પટણ - માયા સો મિટી' કહે છે. આ લોકવાયકાનો પ્રથમ ભાગ સાચો છે. અહીં શહેર હતું અને બંદર પણ હતું તેવું માની શકાય. દીવાલો-ઈંટો-કૂવા, પોટરી અથવા માટીના વાસણો,  સીલ,  મણકા-રમકડા અહીંથી મકાનની આખે આખી દીવાલો નીકળી છે. અહીંના મકાનોની દીવાલો ખૂબ જ સુંદર પકાવેલી લાલ રંગની ઈંટોની  છે. ઈંટો લંબચોરસ આકારની છે. જેની લંબાઈ - પહોળાઈ વધારે અને જાડાઇ ઓછી છે. આ સમયમાં કુંભારોનો ઉદ્યોગ મોટા પ્રમાણમાં વિકસ્યો હતો.અહીંથી મળેલા માટીના વાસણો, કોઠીઓ, અનાજ ભરવા માટેના કોઠારો અહીંના કુંભારોની કુશળતાની સાક્ષી પૂરે છે. અહીંથી એક અકબંધ કોઠી મળી આવી છે. જે આશરે ત્રણ ફુટ ઉંચી, બે ફુટ પહોળી છે. તેનો આકાર ખૂબ જ સુંદર અને દીવાલ લગભગ બે ઈંચ જેટલી જાડી છે.  એક અનાજ ભરવાનો કોઠાર મળ્યો છે. જે લગભગ સાડાચાર ફુટ ઉંચો, પાંચ ફુટ પહોળો છે. તેની દીવાલ અઢી ઈંચ જાડી છે અને તેની  અંદર અઢીસો કિલો જેટલું અનાજ સમાઈ શકે છે. તેના તળિયા પાસે અનાજ કાઢી શકાય તે માટે એક કાણું રાખવામાં આવ્યું છે. આવા મોટા વાસણો બનાવવા કેટલા મોટા નિંભાડા તેમજ કેવા  કુશળ કારીગરો અહીં વસ્યા હશે.આવા નિંભાડામાંથી નીકળેલી રાખના મોટા થરો અહીંની જમીનમાંથી મળ્યા છે.  લાલ માટીના અબરખિયા, ઠીકરા, તૃપાત્રો (પોટરી) પણ અહીંથી મળી છે. જેમાં નાના ઘડુલા તેમજ ચિત્રામણવાળા વાસણોના ટુકડાઓ સામાન્ય છે. અહીંથી જુદી સાઇઝના તેમજ જુદા આકારના પકવેલી માટીના લાલ તેમજ કાળા વાસણો મળ્યા છે. તેમાં પ ઇંચથી પણ નાના કીડીઆ જેવા મણકા તેમજ મોટા એક ઇંચની સાઈઝના મણકા પણ છે. અત્યારના સ્થાનિક લોકોના બાળકો આ મણકાના વચ્ચેના કાણામાં સળી ભરાવી ભમરડા રમે છે. પરંતુ આ મણકા માળાના મણકા હોય તેમાં કોઇ શંકા નથી. આ ઉપરાંત અવશેષોમાં મહત્ત્વનું ઘણી શકાય તેવું એક સીલ મલ્યું છે. તે સીલ પકવેલી માટીનું છે. આ જાતના સીલ સિકકાઓની ઉત્પતિ પહેલાં અને કદાચ આંકડાઓની ઉત્પતિ પહેલાં સંખ્યા દર્શન માટે વપરાતાં હતાં. આ જાતનું માટી પરનું લખાણ સુમેર સંસ્કૃતિમાં પણ જોવા મળ્યું છે. આમ આ બધી વસ્તુઓને જોતાં અહીં પાંચ હજાર વર્ષથી વ્યવસ્થિત સંસ્કૃતિ વસતી હોય તેમ લાગે છે. પ્રાચીન સંસ્કૃતિના પછીના કાળમાં પણ નાની રાયણમાં માનવ વસવાટ હતો તેવા પુરાવાઓ મળ્યા છે. આ લોકો માત્ર ખેતી કરતા એટલું જ નહી ં પણ તેઓ ભારત તેમજ સમગ્ર દુનિયાના તે કાળના દેશો સાથે સંપર્ક તેમજ વ્યાપારી સંબંધ ધરવતા. આજના ગ્રીસની આદ્ય સંસ્કૃતિ જેને વ્યાઝેન્ટાઈન સંસ્કૃતિ કહે છે. જેને કોન્સ્ટેનટીનોપાલ નામનું શહેર વસાવ્યું હતું. (બીજીથી પાંચમી સદી) છેક અહીંનો એક સિક્કો નાની રાયણના ખોદકામમાંથી મળી આવ્યો છે. આ પુરવાર કરી આપે છે કે, બીજીથી પાંચમી સદીમાં નાની રાયણ યુરોપના દેશો સાથે વ્યાપારી સંબંધ ધરાવતું હતું.  અહીંની જમીનમાંથી મૌર્યકાળ તેમજ ગુપ્તકાળના ઘણાં સિક્કાઓ મળી આવ્યા છે. આમ સિંધુ સંસ્કૃતિના અસ્ત પછી આજથી લગભગ ત્રેવીસસોથી કરી સોળસો વરસ પૂર્વેના અવશેષો આપણને જોવા મળે છે. સમુદ્રગુપ્તના (4થી સદી) ઘણાં સિક્કાઓ પણ મળ્યા છે. ગુપ્ત સમયમાંનો કચ્છ મગધ સામ્રાજયનો એક ભાગ હતો તેમ ઈતિહાસકારો માને છે. (ગુજરાતનો ઈતિહાસ) `આરબ ગર્વનર ઓફ સિંધ'નો એક સિક્કો મળી આવ્યો છે અને આ વલ્લભીના સામ્રાજયને સમકાલીન સિક્કો છે. આ બધા ઉપરાંત મોગલ કાળના દિલ્હીના તેમજ મધ્યપૂર્વના સિક્કાઓ અહીંથી મળ્યા છે. અહીંથી મળેલા શિલ્પ કળાના નમૂનાઓ પાંચમી સદીના છે. એક પથ્થર પર કરેલા શિલ્પમાં એક પુરુષની બાજુમાં એક ત્રી ઊભેલી છે, અને તેને ચામર ઢાળનારા છે. જ્યારે બીજા એક શિલ્પમાં ગોઠણ પર બેસેલી જાડી મોટા પેટવાળી વ્યકિત છે અને તેને એક તરફથી છત્ર ઢાળતી નાનકડી આકૃતિ છે. આ શિલ્પ નીચે કોતરેલા અક્ષરો છે. પરંતુ તે વાંચી શકાતા નથી. સ્પેસી મેન સેન્ડ સ્ટોનમાંથી બનાવેલા છે અને તેથી ખંડિત થઈ ગયા છે. ધાતુની માનવ આકૃતિઓ પણ મળી છે. કાંસાની એક ભુંગળી અડધો ઇંચના વ્યાસવાળી  મળી છે. તેની ઉપર એક નમસ્કાર કરતી આકૃતિના માથા ઉપર નાગ જેવો આકાર છે. બાકીના ભુંગળી પર રાક્ષસના મોં જેવો આકાર ઉપસાવવામાં આવેલ છે. લજાગૌરી નામે આળખાતું પાર્વતી દેવીનું શિલ્પ પણ અહીં જમીનમાંથી મળી આવ્યું છે. હજુપણ અહીં વણખોદાયેલી ઘણી જમીન છે. જેનું ઉત્ખનન કરવાથી  ઘણું વધારે જાણવા મળી શકશે.   

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer