અદાણી બંદરે વધતા જતા ટ્રાફિકને પહોંચી વળવા 245 કરોડના ખર્ચે પાંચ ઉપકરણોની આયાત

અદાણી બંદરે વધતા જતા ટ્રાફિકને પહોંચી વળવા 245 કરોડના ખર્ચે પાંચ ઉપકરણોની આયાત
મુંદરા, તા. 10 : પ્રતિમાસ ચાર લાખ કન્ટેઈનરના ટ્રાફિકને પહોંચી વળવા અદાણી પોર્ટ એન્ડ સેઝ હસ્તકના સી.ટી.ફોર નંબરની જેટી માટે ક્યુ ક્રેઈન બે તથા રબ્બર ટાયર ગન્ટ્રી- 5ની વિદેશમાંથી આયાત કરવામાં આવી છે. અદ્યતન ટેકનોલોજી સાથેની આ હેવી મશીનરીને આજે જહાજમાંથી નીચે ઉતારવામાં આવી છે તે સાથે અદાણી બંદરની ટ્રાફિક હેન્ડલ કરવાની ક્ષમતામાં વધારો થવાની સાથે વિકાસની પ્રક્રિયામાં કૂદકો આવ્યો છે.  60 કરોડની એક એવી બે ક્યુ ક્રેઈન ઉપરાંત 25 કરોડની એક એવી પાંચ આર.ટી.જી. મળી કુલ 245 કરોડ રૂા.ની આ આધુનિક મશીનરીને સી.ટી. ફોર નામના અદાણી બંદર ઉપર કાર્યરત કરવામાં આવશે. અત્યારે 39 જેટી ઉપર લગાડવામાં આવેલી ક્યુ.સી. માં બેનો વધારો થતાં કુલ ક્યુ.સી.ની સંખ્યા 41 ઉપર પહોંચશે.  અદાણી પોર્ટ તરીકે ઓળખાતા બંદર પરિસરમાં વેસ્ટ પોર્ટ ઉપરાંત સીટી-ટુ, સીટી-થ્રી, અને સી.ટી. ફોર એમ કુલ 4 જેટી ઉપરથી કન્ટેઈનરના ટ્રાફિકને હેન્ડલ કરવામાં આવે છે જ્યારે એમ.આઈ.સી.ટી.નું કન્ટેનર ટર્મિનલ અલગથી કાર્યરત છે. આજે અદાણી બંદર માટે આવેલી ક્યુ.સી. તથા રબ્બર ટાયર ગન્ટ્રીની મદદથી કન્ટેનર ટ્રાફિક હેન્ડલિંગના નવા કીર્તિમાનો ચાલુ નાણાકીય વર્ષ દરમ્યાન સ્થાપિત થવાની શક્યતા સૂત્રો જોઈ રહ્યા છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer