પતંગ બજાર પર જીએસટીનું `લંગર''

પતંગ બજાર પર જીએસટીનું `લંગર''
ભદ્રેશ ડુડિયા દ્વારા
ભુજ, તા. 10 : ઉત્તરાયણ પર્વને હવે જ્યારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ચાલુ વર્ષે તો પતંગ બજારને જીએસટીના લંગરે પરેશાન કરી દીધી. આમ જીએસટી થકી ગ્રાહકોને પણ પતંગ અને દોરા ગતવર્ષની તુલનાએ 10થી 15 ટકા મોંઘા મળશે ઉપરાંત જીએસટી નંબર ફરજિયાતના લીધે મોસમી ધંધાવાળા નાના વેપારી તથા શ્રમજીવી કારીગરોની માલ વેચવા માટેની પળોજણ વધી ગઇ છે. પતંગ બજારમાં લટાર મારતાં જાણવા મળેલી વિગતો મુજબ હજુ સુધી જોઇએ તેવી ઉત્તરાયણની ઘરાકી જામી નથી, પરંતુ વિવિધ સંજોગોના લીધે ચાલુ વર્ષે પતંગ અને દોરાના ઉત્પાદનમાં ઓટ આવી હોવાથી છેલ્લા દિવસોમાં માલની અછત સર્જાવાની સંભાવના પણ છે અને હશે તો પણ મોં માગ્યા દામ પણ ગરજવાનોને ખર્ચવા પડે તેવી સ્થિતિ સર્જાશે તેવું પતંગ બજારના સર્વે પરથી જણાઇ આવે છે.પતંગ બજારમાં ભાત-ભાતના રંગબેરંગી પતંગો તેમજ દોરાની ફિરકીઓ આવી પહોંચી છે. પરંતુ જીએસટી તેમજ આસામમાં ત્રણ માસ પૂર્વે આવેલા પૂરના પગલે પતંગ બનાવટ માટે ત્યાંથી આવતા વાંસની કમાન ડટ્ટાની અછતના પગલે પતંગના એશિયાના સૌથી મોટા અમદાવાદના ગૃહઉદ્યોગમાં ઉત્પાદન જ 20થી 30 ટકા ઘટયું હોવાનું ભુજના જથ્થાબંધ વેપારી કલ્પેશ ઠક્કરે જણાવ્યું હતું. પતંગ અને દોરીમાંજા તૈયાર કરતા નાના શ્રમજીવી કારીગરો જીએસટી નંબર ન હોવાથી બહારગામ ટ્રાન્સપોર્ટ દ્વારા માલ મોકલી શકે તેમ ન હોવાથી તેઓ ત્યાં જ વેપારીઓને પોતાનો માલ વેચવા મજબૂર બન્યા છે. તો બીજી તરફ આ વેપારીઓ આ જ માલ પર પોતાનો નફો ચડાવી રાજ્યના વિવિધ વિસ્તારમાં જથ્થાબંધ વેપારીઓને વેચતા હોવાથી માલ 10થી 15 ટકા મોંઘો મળતો હોવાનું પરેશભાઇ ઠક્કરે જણાવ્યું હતું. છેલ્લા ત્રણ દાયકાથી પતંગના વ્યવસાય સાથે આ બંધુઓ જોડાયા હોવાથી પરેશભાઇની ઓળખ જ `પરેશભાઇ પતંગવાળા' તરીકે થઇ ચૂકી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શહેરોમાં માર્ગ પર થોડા દિવસો માટે પતંગ-દોરા વેચતા શ્રમજીવીઓને પણ અમદાવાદથી માલ મંગાવવા જીએસટી નંબર ન હોવાથી મુશ્કેલી નડે છે. આથી તેઓ સ્થાનિકના જથ્થાબંધ વેપારીઓ પાસેથી માલની ખરીદી કરી રહ્યા છે. આમ માલની અછત સર્જાવાની સંભાવના તેમણે દર્શાવી હતી. હવે, વાત કરીએ પતંગબાજી માટે લડાવવામાં આવતા પેચમાં પાકા દોરાની. સુરત, અમદાવાદની જેમ પતંગબાજી બહુ જાણીતી છે તેમ ત્યાંના દોરા પણ એટલા જ મશહૂર છે, તો બરેલીના દોરાને આજ પણ કોઇ આંટી મારી શકે તેમ નથી. અને પતંગ ચગાવવામાં બરેલીની ફિરકીનો દબદબો છે પણ પતંગ બજારના દોરામાં હાલ તો સુરતના દોરાનો હિસ્સો પાંચ ટકા જેટલો જ રહ્યો છે. તો ખંભાતના  દોરા હવે નામશેષ જ રહ્યા છે, તો અમદાવાદના માંજાનું ચલણ કાયમ છે અને હાલ બરેલીની ફિરકી દોરામાં અછત આવી હોવાથી અમદાવાદમાં બરેલીની બનાવટી દોર તૈયાર કરી બજારમાં ઠાલવવાનું શરૂ થઇ ચૂક્યું છે. હા, સમય સાથે દોરાની કેટલીક વિશિષ્ટતા લુપ્ત થતી જાય છે. જેમકે સુરતમાં તૈયાર થતો લુગદી માંજો એક કાળે ઉત્તરાયણના છ મહિના પહેલાં તૈયાર કરવાનો ચાલુ કરી દેવામાં આવતો. પરંતુ હવે માત્ર એક માસ પૂર્વે જ ગણ્યાગાંઠયા ઉત્તરપ્રદેશથી આવેલા કારીગરો દોરીમાંજાનું કામ કરે છે. સુરતના ભગવાનના દોરા આજે પણ લોકપ્રિય છે. અંદાજે સાતથી આઠ દાયકાથી ચાલી આવતી લુગદીમાંજા બનાવવાની રીત ખૂબ જ ધીરજ માગી લે તેવી છે. જોકે, હવે ડબ્બા માંજાનું ચલણ વધ્યું હોવાથી લુગદીમાંજાની સ્થિતિ દિન પ્રતિદિન કથળતી જાય છે. લુગદીમાંજો તૈયાર કરવામાં ભાત, સોહાગા, સાહુન, કાચ અને બીજી અનેક 10થી 12 નાની-મોટી ચીજવસ્તુઓ ઉમેરી તેને કાચી દોરી પર ચઢાવવામાં આવે છે. આવો માંજો તૈયાર કરનારા જૂના કારીગરોના કહેવા પ્રમાણે આવો લુગદીમાંજો ચઢાવ્યો હોય તો દોરા પચાસ વર્ષથી પણ વધુ ચાલી શકે તેમ છે. ઉત્તરપ્રદેશ બાજુના કેટલાક ઠેકાણે સો વર્ષ જૂનો માંજો પણ મળી આવે છે. જ્યારે માંજો ચઢાવવાની બીજી રીત ડબ્બામાંજા તરીકે ઓળખાય છે અને હાલ તેનું ચલણ વધુ પ્રમાણમાં છે. ઉત્તરાયણના થોડા દિવસ અગાઉથી જ શહેરોના વિવિધ માર્ગો પર દોરાને માંજો ચઢાવતા શ્રમજીવી  કારીગરો   જોઇ  શકાય છે.  આ માંજો તૈયાર કરવામાં કાચ, સરસ, ફેવિકોલ, લાટી સહિતની ચીજવસ્તુઓ વાપરવામાં આવે છે અને ગ્રાહક જે પ્રકારના રંગનો દોરો માગે તે રંગ પણ આ ડબ્બામાં નાખવામાં આવે છે. કાચો દોરો આ ડબ્બામાંથી પસાર કરી મોટા ફિરકા એટલે કે ચરખા પર ચડાવવામાં આવે છે. ત્યારબાદ માંજો સુકાઇ જતાં તેને ફિરકી ઉપર લપેટવામાં આવે છે. માંજો જેટલો સારો તૈયાર થાય તેટલા વધુ પેચ લડાવવાની મજા પતંગબાજોને આવતી હોય છે. બરેલી દોરમાં અનેક પ્રકારની બ્રાન્ડના દોરા આવે છે. ત્યાં તો માર્ચ મહિનાથી જ દોરા તૈયાર કરવાની કામગીરી શરૂ થઇ જાય છે અને એપ્રિલ-મે માસ દરમ્યાન ધોમ તડકો હોવાથી તે દરમ્યાન તૈયાર થયેલો દોરીમાંજો સારી ગુણવત્તા ધરાવતો હોવાનો અભિપ્રાય આ ક્ષેત્રના તજજ્ઞોએ આપ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer