ભાવિકોને જીવનમાં તપનું મહત્ત્વ સમજાવાયું

ભાવિકોને જીવનમાં તપનું મહત્ત્વ સમજાવાયું
નખત્રાણા, તા. 10 : તાલુકાના મોટા યક્ષ પાસે પાર્શ્વ વલ્લભ ઇન્દ્રધામ તીર્થ ખાતે હેમલતાશ્રીજી મ.સા.ની નિશ્રામાં પાર્શ્વનાથ ભગવાનના જન્મ તથા દીક્ષા કલ્યાણક પ્રસંગે સમુહ અઠ્ઠમ તપની આરાધના કરાઇ હતી. આ પ્રસંગનો સંપૂર્ણ લાભ દાતા પરિવાર ગં.સ્વ. પુષ્પાબેન બાબુલાલ ઝવેરીની પૌત્રી તથા રેશ્માબેન મુકેશભાઇ ઝવેરીની પુત્રી ડો. ક્રિષ્માના લગ્ન સંસ્કાર અનુસંધાને લેવાયો હતો. આ પ્રસંગે સો ટકા જેટલા તપસ્વીઓ દ્વારા અઠ્ઠમ તપની આરાધના કરાઇ હતી. વલ્લભ જ્યોતિ, સાધ્વી જ્યોતિપ્રજ્ઞાશ્રી મ.સા. દ્વારા જીવનમાં તપ કેટલું મહત્ત્વનું છે તે અંગે પ્રવચન આપ્યું હતું તેમજ તપસ્વીઓની અનુમોદના કરાઇ હતી. સંસ્થાના પ્રમુખ વીરસેનભાઇએ જણાવ્યું કે આવા તપ અને તપસ્વીઓના કારણે જિન શાસન સદાય અમર રહેશે વધુમાં તેમણે દાતા પરિવાર અને ભુજના પૂર્વ ધારાસભ્ય મુકેશભાઇ ઝવેરીનું સન્માન કરતાં જણાવ્યું કે મુકેશભાઇ તેમજ તેમનો પરિવાર ધાર્મિક તેમજ સામાજિક કાર્યો માટે સદાય અગ્રેસર અને તત્પર રહે છે. પ્રત્યુત્તરમાં શ્રી ઝવેરીએ સંસ્થાનો આભાર માન્યો હતો. અઠ્ઠમ તપના તપસ્વીઓ દ્વારા પણ તેમનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે માકપટ જૈન ગુર્જર સમાજના પ્રમુખ જયેન્દ્રભાઇ શાહ, મંત્રી જિજ્ઞેશભાઇ શાહ તેમજ પાર્શ્વવલ્લભ ઇન્દ્રધામ ટ્રસ્ટના મંત્રી ભરતભાઇ શેઠ, ઉ.પ્ર. કમલેશભાઇ સંઘવી સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રસાદની વ્યવસ્થા ટ્રસ્ટી હેમાંગભાઇ શાહ દિલીપભાઇ મહેતા, મલય શાહ, હરેશભાઇ શાહ, હિતેશભાઇ શાહ અને હેમાંગ મહેતાએ સંભાળી હતી. કેતન શાહે આભાર માન્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer