પીર અને ઓલિયાના મેળા અને મેળાવડા જેવા કાર્યક્રમો થકી કચ્છની કોમી એકતા કાયમ

પીર અને ઓલિયાના મેળા અને મેળાવડા જેવા કાર્યક્રમો થકી કચ્છની કોમી એકતા કાયમ
નિરોણા (પાવરપટ્ટી), તા. 10 : સરહદી કચ્છ જિલ્લાના ખૂણેખૂણે બિરાજતા પીર ઓલિયાના સ્થાનકો પર દર વર્ષે ઉજવાતા મેળાવડા કે ઉર્સને લઇ ભાઇચારાની ભાવના પ્રબળ બની છે. ખાસ કરીને પાવરપટ્ટી વિસ્તારના ગામોમાં યોજાતા પરંપરાગત મેળાઓ થકી પંથકમાં કોમી એકતાની જ્યોત આજે પણ અખંડ રહી છે. જેનું ઉદાહરણ સુમરાસર સ્થિત બાંભણિયા પીરની દરગાહ છે. જ્યાં મેળાના આયોજનમાં હિન્દુ-મુસ્લિમ બિરાદરો ખભેખભા મિલાવી આયોજન કરે છે, તેવું પાવરપટ્ટીના બાંભણિયા પીરના મેળા પ્રસંગે યોજાયેલા સન્માન સમારંભમાં બંને કોમોના સામાજિક અગ્રણીઓએ જણાવ્યું હતું. કચ્છના મોટા રણના કાંઠાળ વિસ્તારમાં જૂના સુમરાસર ગામ ખાતે આવેલી પીરની દરગાહ પર યોજાયેલા વાર્ષિક મેળામાં આસપાસના વિસ્તારોમાંથી ભાવિકોએ ઊમટી દરગાહે માથું ટેકવ્યું હતું. જેમાં હિન્દુ ભાવિકોની ભીડ વધુ જોવા મળી હતી. આ પ્રસંગે ઇબ્રાહીમભાઇ હાલેપોત્રા (પ્રમુખ, અ. કચ્છ મુસ્લિમ હિતરક્ષક સમિતિ), દામજીભાઇ ચાડ (ભાજપ અગ્રણી), રફીકભાઇ મારા, આમદભાઇ જત (ગુ.રા. વ.ક.ફ. બોર્ડ, ડાયરેકટર) વગેરે ભાવિકોની ભાઇચારાની ભાવનાને બિરદાવી આયોજકોને બિરદાવ્યા હતા. દરગાહ સંકુલમાં રમતગમતના સાધનો ઉપરાંત ખાણીપીણીના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. સવારના ભાગમાં અલવીરાબેન મીર અને તેમની પાર્ટીએ દાંડિયારાસની રમઝટ બોલાવી હતી, જેમાં હિન્દુ-મુસ્લિમ ખેલૈયાઓ જોડાયા હતા. યોજાયેલા સન્માન સમારંભમાં સામાજિક અગ્રણીઓ મામદ રહીમ જત, હરિભાઇ પાંચાભાઇ આહીર (જિ.પં. સદસ્ય), ભાણજીભાઇ ભાનુશાલી (લોરિયા સરપંચ), દીપકભાઇ ડાંગર (કોંગ્રેસ પ્રવકતા), ધના પુંજા મહેશ્વરી, નોતિયાર હાજી ગની ડાડા સહિતનું ઉર્સ સમિતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સુમરાસરથી બાંભણિયા પીરની દરગાહ વચ્ચે અંદાજે 6 કિ.મી. જેટલા કાચા રસ્તા પર 4 કિ.મી.માં ડામર પાથરવામાં આવ્યો છે. જ્યારે બાકી રહી ગયેલા 2 કિ.મી.માં ડામર રોડનું કામ પૂરું કરવામાં આવે તેવી મેળા સમિતિએ માંગ કરી હતી. આયોજન માટે સુમરાસર ગામની તમામ કોમના લોકોએ સહયોગ આપ્યો હતો. દરગાહના કર્તાહર્તા શેખ રમજુ નામોરી ડાડા, મુજાવર શેખ અધાભા રમજુ ડાડા તેમજ શેખ કરીમ મામદ નામોરી ડાડાએ વાર્ષિક ઉર્સમાં તન-મન અને ધનથી સહયોગ આપનાર દાતાઓ, ભાવિકો અને કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. સંચાલન જુસબ ઉંમર સમેજા તેમજ આભારવિધિ હરિભાઇ ગોપાલ ગાગલે કર્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer