નાના ધંધાર્થીઓ માટે જીએસટીની મુક્તિમર્યાદા બમણી

આનંદ કે. વ્યાસ તરફથી  નવી દિલ્હી, તા. 10 : નાના ધંધાર્થીઓને રાહત આપવા માટે જીએસટી કાઉન્સિલે ગુરુવારે ઈશાન રાજ્યોના ધંધાર્થીઓ માટે જીએસટી રજિસ્ટ્રેશનની મુક્તિમર્યાદા બમણી કરીને 20 લાખ કરી હતી જ્યારે બાકીના ભારતમાં તેઓ માટેની આ મુક્તિમર્યાદા 40 લાખ ટર્નઓવરની કરી હતી. આમ હવે 40 લાખ સુધીનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા એકમોને જીએસટી રજિસ્ટ્રેશનમાંથી મુક્તિ મળી છે. નવી દિલ્હીમાં જીએસટી કાઉન્સિલની બેઠક બાદ પત્રકારો સમક્ષ બોલતાં નાણાપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે જીએસટી કોમ્પોઝિશન સ્કીમના સ્કોપ કે જે હેઠળ નાના વેપારગૃહો વેલ્યૂ એડિશનને બદલે ટર્નઓવર પર આધારિત નજીવો ટેક્સ ચૂકવે છે તે એક કરોડથી રૂપિયા 1.5 કરોડ સુધી વધારાયો છે. જેટલીએ જણાવ્યું હતું કે, આ બેવડાં પગલાંથી માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇસીસ (એમએસએમઈએલ)ને રાહત મળશે. નાણાપ્રધાને જણાવ્યું હતું  કે આ ફેરફારો આ વર્ષની 1 એપ્રિલથી અમલી બનશે. જેઓ કોમ્પોઝિશન સ્કિમ હેઠળ આવી જાય છે તેઓ ત્રિમાસિક ધોરણે ટેક્સ ચૂકવશે, પરંતુ રિટર્ન વર્ષમાં એક જ વાર ફાઇલ કરવાના રહેશે. જેટલીએ જણાવ્યું હતું કે રિયલ એસ્ટેટ જીએસટી દરો પર વિચારણા કરવા સમિતિની રચના કરવામાં આવી છે. કાઉન્સિલે કેરળ સરકારને બે વર્ષ માટે આંતરરાજ્ય વેચાણો પર એક ટકાની સેસ લાદવાની છૂટ આપી છે. નાણામંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે, આ નિર્ણયથી 20 લાખ જેટલી કંપનીઓને ફાયદો થશે. હાલ વાર્ષિક 20 લાખની ટર્નઓવર ધરાવતી કંપનીઓને જીએસટી માટેનાં રજિસ્ટ્રેશનમાંથી મુક્તિ અપાયેલી છે. જીએસટીની પ્રક્રિયાને સરળ કરીને મુક્તિમર્યાદા વધારવાની સરકારની યોજના છે એવું વડાપ્રધાને કહ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer