અછત સમીક્ષાર્થે કેન્દ્રીય ટીમ કચ્છ પહોંચી

અછત સમીક્ષાર્થે કેન્દ્રીય ટીમ કચ્છ પહોંચી
ભુજ, તા. 15 : કચ્છના કાયમી દુશ્મન એવા દુકાળને ભરી પીવા રાજ્ય સરકારે આ વખતે નિયમોને પડખે રાખીને દિવાળી પહેલાં જ બાથ તો ભીડી દીધી પરંતુ અછતની સ્થિતિમાં તંત્ર ક્યાં અને કેવી રીતે લડે છે એ હજુ પાધરું થયું નથી. કેન્દ્ર સરકારને પણ આ વખતે કચ્છના દુકાળની પૂરેપૂરી ચિંતા છે અને તેથી જ જાહેર થયેલી અછત સ્થિતિની સ્વયં સમીક્ષા કરવાના કચ્છહિતના ઉદ્દેશથી આજે એક ઉચ્ચસ્તરીય કેન્દ્રીય ટીમે કચ્છમાં પ્રવેશ?કર્યો અને  પ્રથમ તબક્કે રાપર તાલુકાની આ ટીમે મુલાકાત લીધી હતી. ગુજરાત સરકારે અછતને પહોંચી વળવા વધારાના ખર્ચની જે દરખાસ્ત કેન્દ્ર સરકારમાં કરી છે તેને લીધે દિલ્હીથી આવેલી ટીમ વરસાદ, ખેતી, નિષ્ફળ?પાક, ઘાસ-પાણીની જરૂરિયાત સંદર્ભે જાતમાહિતી મેળવી રહી છે. કેન્દ્ર સરકારના પાણી પુરવઠાના સંયુક્ત સચિવ અમિતાભ ગૌતમની અધ્યક્ષતામાં આવેલી ટીમમાં કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં ઉચ્ચકક્ષાએ ફરજ બજાવતા ત્રણ અધિકારીઓ અમિતાભ ગૌતમ (જોઇન્ટ સેક્રે.), જીતુદાસ (જોઇન્ટ ડાયરેક્ટર) અને ગુલામ રસૂલ ઝરગાર (સિનિયર કન્સલ્ટન્ટ)નો સમાવેશ થાય છે. આ ટીમ ગઇકાલે અમદાવાદ આવી અને રાત્રિરોકાણ કર્યું તથા આજે 283 કિ.મી.નો પ્રવાસ કરીને રાપર સર્કિટ હાઉસ પહોંચી હતી. જ્યાંથી  13 કિ.મી.ના અંતરે ચિત્રોડ ગામે અછતની સ્થિતિની સમીક્ષાર્થે  પાણી, રોજગારી, ખેતી, ઘાસડેપો આદિ વિગતો મેળવી હતી. તેઓએ અછતગ્રસ્ત વિસ્તારના ખેતરોની પણ રૂબરૂ મુલાકાત લીધી હતી અને બપોર બાદ રાપર પાંજરાપોળની માહિતી લેવા પણ રૂબરૂ ગયા હતા. કચ્છની જેમ ત્રણ સભ્યોની ટીમ પાટણ અને ત્રણ જણ બનાસકાંઠા પણ પહોંચ્યા છે. કચ્છના દશે-દશ સહિત રાજ્યના 96 તાલુકાઓમાં વરસાદ ઓછો થતાં સરકારે  અછત જાહેર કરી છે અને કેન્દ્રીય ટીમની મુલાકાત બાદ અને તેઓનો સત્તાવાર હેવાલ સરકારને સુપરત થયા બાદ કચ્છને કેન્દ્રની સીધી સહાયનો પણ લાભ મળશે. ગુજરાત સરકાર અને કચ્છના વહીવટી તંત્ર વતી અંજાર પ્રાંત અધિકારી વિજયભાઇ રબારી ટીમની સાથે રહ્યા હતા. ટીમ મોડી સાંજે ભુજ ઉમેદ ભુવન પહોંચી હતી, જ્યાંથી તેઓ રવિવારે બીજા દિવસનો પ્રવાસ આરંભશે, જેનો પ્રારંભ સવારે 10 વાગ્યે કલેક્ટર ઓફિસની બેઠકથી થશે. ત્યારબાદ તેઓ રૂદ્રમાતા ડેમ સાઇટની મુલાકાત લેશે. બપોર બાદ મંજલ અને ધોરડો જશે. બન્નીના સરપંચો, ખાવડાવાસીઓને મળશે અને મોડેથી ભુજ પરત આવશે. ભચાઉ પ્રાંત અધિકારી એ. કે. જોશી, ડીવાય.એસ.પી. કે. જી. ઝાલા, પાણી પુરવઠાના અધીક્ષક એલ. જે. ફફલ, રાપર મામલતદાર એચ. જી. પ્રજાપતિ સહિત ખેતીવાડી, વન વિભાગ, પાણી પુરવઠા, મહેસૂલ, પંચાયત સહિતના અધિકારીઓ અને જુદી જુદી સંસ્થાઓના પ્રતિનિધિ અને અધિકારીઓની ટીમ ઉપસ્થિત રહી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer