કોટડા રોહામાં યુવાન માતાનો અરેરાટીભર્યો અગનખેલ : બે માસૂમ પુત્રને મોત આપ્યું, પોતે ગંભીર

કોટડા રોહામાં યુવાન માતાનો અરેરાટીભર્યો અગનખેલ : બે માસૂમ પુત્રને મોત આપ્યું, પોતે ગંભીર
ભુજ, તા. 15 : નખત્રાણા તાલુકાના કોટડા (રોહા) ગામે બનેલી કરુણ અને અરેરાટીભરી ઘટનામાં પોતાના કુમળી વયના બે સંતાન ધૈર્ય (ઉ.વ. અઢી) અને લક્ષ (ઉ.વ.4) સાથે તેમની માતા મીનાબા કરણાસિંહ સોઢા (ઉ.વ.23)એ જાતે અગનપછેડી ઓઢી લેતાં બન્ને માસૂમ બાળકનાં મૃત્યુ થયાં હતાં. જ્યારે મીનાબાને ગંભીર રીતે દાઝેલી હાલતમાં સારવાર માટે દવાખાને ખસેડાઇ છે. કોટડા (રોહા) ગામે ગતરાત્રિના સાડા નવેક વાગ્યાના સુમારે મીનાબા સોઢાએ તેના બન્ને પુત્ર લક્ષ અને ધૈર્યને પોતાની સાથે રાખીને પોતાના ઘરમાં અગ્નિસ્નાન કર્યું હતું. અત્યંત ગંભીર રીતે દાઝેલા આ ત્રણેય માતા-પુત્ર પૈકી લક્ષ અને ધૈર્યના સારવાર મળે તે પહેલાં જ જીવનદીપ બુઝાઇ ગયા હતા. જ્યારે ગંભીર રીતે દાઝી ગયેલી મીનાબાને સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાઇ છે. પોલીસ સાધનોએ આપેલી માહિતી મુજબ સાસુ અને સસરા સાથે સંયુકત કુટુંબમાં રહેતી મીનાબાના લગ્ન કરણાસિંહ ખાનુભા સોઢા સાથે છ વર્ષ પહેલાં થયા હતા. આ દરમ્યાન ગતરાત્રે મીનાબાએ આ અરેરાટીભર્યું પગલું ભરી લીધું હતું. બનાવના સમયે મીનાબાનો પતિ કરણાસિંહ તેના ખેતરે ગયો હતો.  નખત્રાણા પોલીસે પ્રાથમિક છાનબીન અને કાગળો કર્યા બાદ કેસની તપાસ નખત્રાણા વિભાગના નાયબ પોલીસ અધીક્ષકને સોંપવામાં આવી છે. તેમની અત્યાર સુધીની તપાસમાં આજે સાંજ સુધી કરુણ ઘટના પછવાડે નિમિત્ત બનેલા કારણો હજુ ચોક્કસ રીતે સ્પષ્ટ થઇ શકયા નથી. તપાસનીશ દ્વારા આ માટે પરિવારજનો અને અન્ય સંબંધિતોની પૂછતાછ કરવામાં આવી રહી છે.  નાનકડા એવા ગામમાં આ કરુણ કિસ્સો બનતાં પાંચાડામાં શોક સાથે અરેરાટી વ્યાપી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer