શિણાય પાણી સમિતિના વ્યવસ્થાપનને કેન્દ્રીય જળ મંત્રાલયના સચિવે વખાણ્યું

શિણાય પાણી સમિતિના વ્યવસ્થાપનને કેન્દ્રીય જળ મંત્રાલયના સચિવે વખાણ્યું
ગાંધીધામ, તા. 15 : તાલુકાના શિણાય ગામ ખાતે આજે કેન્દ્ર સરકારના જળ અને સ્વચ્છતા મંત્રાલયના સચિવે મુલાકાત લઇ પાણી અને ગટર વ્યસ્થાપનની માહિતી મેળવી હતી. પાણી સમિતિની સંચાલન વ્યવસ્થાને તેમણે બિરદાવી હતી. કચ્છના પ્રવાસે આવેલા સચિવ પરમેશ્વરન ઐયરે મુલાકાત દરમ્યાન પાણી સમિતિના તમામ દસ્તાવેજો જોઇ જાણકારી મેળવી હતી. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ગુજરાતની વાસ્મો પાણીની યોજના બેનમૂન છે, આ યોજનાની તર્જ પર સમગ્ર દેશમાં ગ્રામ્ય વિસ્તારોમાં પાણી વિતરણ યોજના બનાવવાની બાબત વિચારધીન હોવાની માહિતી તેમણે આપી હતી. શિણાય પાણી સમિતિના વ્યવસ્થાપનને આધુનિક ગણાવી તેના સંચાલનમાં મહિલાઓ પણ સહભાગી છે તે બાબતને તેમણે બિરદાવી હતી. આ વેળાએ ગામના ગટરનાં પાણીના ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લઇ વિગતો જાણી હતી. રાજ્યની અન્ય ગ્રામ પંચાયતોએ આ પ્રકારની વ્યવસ્થા વિકસાવવી જોઇએ તેવો મત તેમણે વ્યક્ત કર્યો હતો. વાસ્મોના મુખ્ય કારોબારી અધિકારી અનિલ માંકડે પાણી સમિતિની વાડી પાસે બોર, નવી પાણીની લાઇન નાખવાની યોજનાને મંજૂરી આપી હતી. જેને ઉપસ્થિત ગ્રામજનોએ વધાવી  લીધી હતી. શિણાયના સરપંચ ગોપાલભાઇ હડિયાએ પાણી સમિતિના સંચાલનની વિગતો આપી હતી. તેમણે ગામના લોકોને વધુ માત્રામાં પાણી મળી શકે તે માટે વીડી ખાતે બોર બનાવી નવ કિલોમીટરની પાઇપલાઇન,  ઓવર હેડ ટેન્ક, અંડરગ્રાઉન્ડ ટેન્ક બનાવાય તે જરૂરી હોવાનું જણાવ્યું હતું. આ વેળાએ જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી, વાસ્મોના ભુજ સ્થિત યુનિટ મેનેજર ડી.સી. કટારિયા, જિલ્લા કો-ઓર્ડિનેટર ડિમ્પલ શાહ, વાસ્મો ગાંધીનગરના ઇન્જિનીયર શ્રી સિદિકી, મેનેજર મધુભાઇ, શિણાયના નિખિલ હડિયા, હરિભાઇ વાણિયા, હરિલાલ નારાણ બલદાણિયા, ઉષાબેન માલસતર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer