આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ચૂંટણીમાં ઝંપલાવશે

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ચૂંટણીમાં ઝંપલાવશે
ભુજ, તા. 15 : રામ જન્મભૂમિ, સમાન નાગરિક ધારો, ગૌહત્યા, 370મી કલમ, ઘૂસણખોરોને દેશમાંથી કાઢવા સહિતના મુદ્દે કેન્દ્રમાં ફરી પોતાની સરકાર લાવવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ આગામી જાન્યુઆરીમાં રાષ્ટ્રીય સ્તરે રાજકીય પક્ષની સ્થાપના કરી લોકસભાની તમામ સીટો પર ચૂંટણી લડશે તેવી આજે અહીં બોલાવાયેલી પત્રકાર પરિષદમાં જાહેરાત કરાઈ હતી. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ગુજરાતના અધ્યક્ષ કૌશિકભાઇ મહેતાએ પરિષદની સ્થાપના કરવાની જરૂરત અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, કેન્દ્રની પૂર્ણ બહુમતની ભાજપ સરકારે 2014માં કરેલા વાયદાઓ પૂર્ણ ન કરી હિન્દુઓ સાથે દ્રોહ કર્યો છે, અયોધ્યામાં રામમંદિર, સમાન નાગરિક ધારો, ગૌહત્યા કાયદો, કાશ્મીરમાં 370મી કલમ દૂર કરવા વિશ્વ હિન્દુ પરિષદ, આર.એસ.એસ., કિસાન સંઘ સહિતના હિન્દુ સંગઠનોએ સખત પરિશ્રમ કરી કેન્દ્ર સરકારને પૂર્ણ બહુમતી અપાવી પરંતુ આજે સાડા ચાર વર્ષ પૂર્ણ થવા છતાં આમાંથી એક પણ મુદ્દાનો નિકાલ કરી શકાયો નથી. જેથી પરિષદ દ્વારા આગામી જાન્યુઆરીમાં રાષ્ટ્રીયકક્ષાએ રાજકીય પક્ષની સ્થાપના કરી લોકસભાની તમામ સીટો પર ચૂંટણી લડી પોતાની સરકાર લાવવામાં આવશે. જિલ્લા સંયુક્ત મહામંત્રી શશિકાંત પટેલે જણાવ્યું હતું કે, કચ્છમાં સરહદી ગામડાઓને જીવંત કરવા ખેતીને પ્રોત્સાહન અપાશે અને તેના માટે નર્મદાના નીર દરેક સરહદી ગામોમાં કેનાલ મારફતે પહોંચાડવા સરકાર સમક્ષ રજૂઆતો કરાશે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, 2009માં નર્મદાના નીર દ્વારા દરેક તળાવો, ડેમો ભરવાની વાત હતી પરંતુ આજે 2018 સુધી માત્ર ભચાઉ સુધી જ પાણી પહોંચ્યું છે. શ્રી પટેલે જણાવ્યું કે, આગામી 21મી ડિસેમ્બરે ભુજમાં ટીનસિટી ખાતે આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણભાઇ તોગડિયાની યોજાનારી હિન્દુ સ્વાભિમાન સભામાં અંદાજે 50 હજાર લોકો એકત્રિત થશે, જેના માટે કચ્છના 300 જેટલા ગામોનો સંપર્ક કરાયો હોવાનું પણ જણાવ્યું હતું. આ પ્રસંગે મહામંત્રી હરેશભાઇ પુરોહિત, સંયુક્ત મહામંત્રી પ્રજ્ઞેશ ચોથાણી, નાનજીભાઇ ભાનુશાલી, નવીનભાઇ પટેલ, વીરેન્દ્રસિંહ જાડેજા, જિતેન્દ્રસિંહ સોઢા, રોહિત અબોટી, ભાવનાબેન હીરાણી, કલ્પનાબેન ચોથાણી, કે.કે. વણકર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer