સૂરજબારીથી સરહદ સુધી સર્વત્ર ઠારમાં ઠરે છે કચ્છ

સૂરજબારીથી સરહદ સુધી સર્વત્ર ઠારમાં ઠરે છે કચ્છ
નલિયા (તા. અબડાસા), તા. 15 : સૂરજબારીથી માંડી અને સીમાવર્તી પંથક સુધી સાર્વત્રિક શીતલહેર ફરી વળતાં રણપ્રદેશ કચ્છનું જનજીવન ગઈકાલ શુક્રવારથી વિશેષ તીવ્ર બનેલા ઠારમાં ઠરવા માંડયું છે, નલિયામાં આજે અલબત્ત પારો ચાર ડિગ્રી ઊંચો ગયો હતો, પરંતુ ઓતરાદા પવનોના સૂસવાટાથી ઠંડીની અસર એવી જ અકબંધ રહી હતી. કાશ્મીર સહિત ભારતના ઉત્તરીય પડખામાં પશ્ચિમી વિક્ષોભની અસર તળે થયેલી બરફવર્ષાના ચેપવાળા ટાઢાબોળ પવનોએ કચ્છમાંયે ટાઢોળું સર્જ્યું છે. `રાત્રે તાપણું - દિવસે તડકો' કચ્છી જનજીવનનો નિત્યક્રમ બનાવા માંડયો છે, `આયાતી ઠાર'માં ઠરવા માંડેલા કચ્છીઓ હવે ઊની વત્રોમાં વીંટળાવા માંડયા છે. નલિયામાં શનિવારે 9.8 ડિગ્રી સેલ્સિયસ સાથે શીત સામ્રાજ્ય છવાયેલું રહેતાં આસપાસના ગ્રામીણ ભાગો ઠારમાં થરથર્યા હતા. જિલ્લા મથક ભુજમાં 12.4 ડિગ્રી પર ટકી રહેલા પારાની પીઠ ભરતાં 11 કિલોમીટરની ગતિ સાથે ઉત્તર-પૂર્વના શિયાળુ પવનોથી ટાઢના પગલે શહેરી જનજીવન વેળાસર ઘરોમાં ઢબૂરાવા માંડયું હતું. બીજી તરફ રાપર અને ખાવડામાં પણ 13 ડિગ્રી સેલ્સિયસ ઠંડીથી વાગડ પંથક તેમજ રણકાંધીના ગ્રામીણ જનજીવને ટાઢ ઉડાડવા તાપણા સહિતના પ્રયાસો કરીને માંડ સમય પસાર કર્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer