નિરજ વોરાને પ્રથમ પુણ્યતિથિએ પરેશ રાવલે આપી શ્રદ્ધાંજલિ

નિરજ વોરાને પ્રથમ પુણ્યતિથિએ પરેશ રાવલે આપી શ્રદ્ધાંજલિ
ભુજ, તા. 15 : સફળ ફિલ્મ દિગ્દર્શક અને લેખક નિરજ વોરાને 14મી ડિસેમ્બરના પ્રથમ પુણ્યતિથિએ જાણીતા અભિનેતા અને સાંસદ પરેશ રાવલે ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. મૂળ માંડવીના અને ભુજમાં 22 જાન્યુઆરી 1963ના જન્મેલા નિરજ વોરાએ આમિરખાન સાથે રંગીલા ફિલ્મથી લેખક તરીકે કારકિર્દી શરૂ કરી હતી. વર્ષ 2000માં ખિલાડી 420નું સફળ દિગ્દર્શન કરી અક્ષયકુમારને ખિલાડીની ઇમેજ આપવામાં યોગદાન આપ્યું હતું. પરેશ રાવલે પોતાના ટ્વિટમાં નિરજ વોરાને શ્રદ્ધાંજલિ આપતાં લખ્યું હતું કે, આજે નિરજ વોરાની પહેલી પુણ્યતિથિ છે, જેણે લખેલી ફિલ્મ હેરાફેરી સદાબહાર રહી છે. આરઆઇપી માય ફ્રેન્ડ પરેશ રાવલના આ ટ્વિટને 1274 લોકોએ રિ-ટ્વિટ કરી કચ્છી સર્જકને પહેલી મૃત્યુતિથિએ યાદ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, નિરજ વોરા લિખિત હેરાફેરીમાં પરેશ રાવલે બાબુભાઇનું ગુજરાતી પાત્ર ભજવ્યું હતું. આ જ ફિલ્મની સિક્વલ નિરજ વોરાએ લખી હતી, તો સાથે તેનું દિગ્દર્શન પણ કર્યું હતું. આ બંને ફિલ્મોએ ટિકિટબારી પર ટંકશાળ પાડી હતી. 2016માં હેરાફેરીની ત્રીજી સિકવલનું ખાતમુહૂર્ત પણ કરાયું હતું. જો કે, ઓક્ટોબરમાં હૃદયરોગના હુમલાને કારણે નિરજ વોરા કોમામાં ચાલ્યા ગયા હતા અને દોઢ વર્ષ સુધી જીવન સામે  જંગ કર્યો હતો. પણ 14મી ડિસેમ્બર 2017ના એ જંગ હારી ગયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer