ઓછા પાણીથી ઘાસ ઉગાડવાની પદ્ધતિ વિકસાવાઈ

ઓછા પાણીથી ઘાસ ઉગાડવાની પદ્ધતિ વિકસાવાઈ
કનૈયાલાલ જોશી દ્વારા
મુંબઈ, તા. 15 : કચ્છમાં કે બીજે ક્યાંય દુકાળ પડે એટલે પીવાના પાણીની અછત સર્જાય અને ઢોરો માટે ઘાસનો પ્રશ્ન વિકટ થઈ જાય. ઘાસ બહારથી મગાવવું પડે જે મોંઘું પડે છે. આનો ઉકેલ શોધવો જોઈએ. વતનપ્રેમી અને ગાયો માટે વિશેષ લાગણી ધરાવતા એક યુવાન ભાનુશાળી પ્રિયેશ ચંદુલાલ હેમાણી (જખૌ) છેલ્લાં ચારેક વર્ષથી વરસાદ ઓછો પડે તો પણ ઘાસની તંગી સર્જાય નહીં એવી ઘાસ ઉગાડવાની પદ્ધતિની શોધમાં હતા. છેવટે તેમને આ સિસ્ટમ હાથ લાગી. થોડો વખત વલસાડમાં અખતરા કર્યા અને સફળતા મળી એટલે કચ્છમાં ધામા નાખ્યા છે. તેઓએ માહિતી આપતાં કહ્યું કે હાઇડ્રોફોનિક્સ યુનિટથી ઘાસ ઉગાડવાથી અૉર્ગેનિક લીલું ઘાસ પેદા થાય છે, કારણ કે આ યુનિટમાં બીજ વાવવા કે ઉછેરવા માટે કોઈ દવાની જરૂર પડતી નથી અને માત્ર સાત દિવસમાં લીલું ઘાસ તૈયાર થાય છે, જે કૂણું છે એટલે પચવામાં હલકું છે, પાણીની ઓછી જરૂર પડે છે. 25 ચોરસ ફૂટમાં 100 કિલો ઘાસ ઊગે છે. યુનિટની વાત કરતાં કહે છે કે એક યુનિટમાં 6 ડિશ ગોઠવી શકાય. મકાઈ, જવ કે ઘઉંનું બિયારણ બજારમાં ઉપલબ્ધ છે. આ બીજને સીધેસીધું વાવવાનું નથી, પણ 12થી 36 કલાક પાણીમાં રાખ્યા પછી કપડામાં બાંધી રાખવું જેથી ફણગા ફૂટે. આ ફણગા ફૂટેલાં બીજ યુનિટની ડિશ કે ટ્રેમાં રાખવાનાં. પછી મશીનથી પાઇપ દ્વારા પાણીનો બારીક છંટકાવ કરવો. શિયાળામાં ચાર વખત અને ઉનાળામાં 6થી 7 વખત પાણીનો છંટકાવ કરવો પડે. પાણી માટે ટાઇમર હોય. એની સાથે કચ્છના પાણીને ધ્યાનમાં રાખીને વૉટર મૅગ્નેટિક સૉફટનર બેસાડયું છે. આ ખેતીપદ્ધતિમાં સૂર્યપ્રકાશ ઓછો જોઈએ એથી શેડ બાંધવો જોઈએ. હું ચારેક વર્ષથી ખેતીમાં સંશોધન કરું છું. પથ્થર પર ખેતી કરી છે જેમાં ખાતરની જરૂર નથી. વલસાડમાં કપચીમાં ટમેટાં વાવ્યાં હતાં. મારી સાથે ગૌતમ મનોજ છેડા (મોટા આસંબિયા) જોડાયા છે એમ તેમણે કહ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer