સ્મૃતિવન સ્ફૂર્તિ આપનારું સ્થાપત્ય બનશે

સ્મૃતિવન સ્ફૂર્તિ આપનારું સ્થાપત્ય બનશે
ભુજ, તા. 15 : કચ્છના ભુજિયા ડુંગર ખાતે તૈયાર થઈ રહેલું સ્મૃતિવન એ ભૂકંપ બાદ આ જિલ્લાને મળેલું વિશિષ્ટ નજરાણું છે. કુલ્લે એકસો પંચાવન કરોડના ખર્ચે તબક્કાવાર વિકાસ પામી રહેલા આ સ્મૃતિવનનું આર્કિટેકચરની દૃષ્ટિએ સવિશેષ મહત્ત્વ છે અને તે એક એનર્જિક સ્થાપત્ય બની રહેશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી, એમ અહીં પોતાના ભુજિયા વિશેના સંશોધન વિશે વકતવ્ય આપતાં ઈટાલીના અભ્યાસુ આર્કિટેકટ જેઓવાની લિયોનએ જણાવ્યું હતું. રોટરી કલબ ભુજના ઉપક્રમે રોટરી હોલ ખાતે યોજાયેલા વાર્તાલાપમાં વધુમાં તેમણે કહ્યું હતું કે, અત્યાર સુધી સાઈઠેક કરોડ જેની પાછળ ખર્ચાઈ ચૂક્યા છે. તે પ્રોજેક્ટ પૂર્ણ થતાં તે બેનમૂન વારસો કચ્છ માટે બનશે અને દેશ-વિદેશના શિલ્પ સ્થાપત્યોમાં તે અગ્રીમ હરોળમાં રહશે, ઉપરાંત સ્થાપત્યપ્રેમીઓ તેના અભ્યાસમાં ઓતપ્રોત રહેશે જે નિ:શંક છે. ઈટાલીમાં રહેતા હોવા છતાં કચ્છના આ સ્થાપત્ય તરફ પોતાનું ધ્યાન કેમ કેન્દ્રિત થયું તે વિશે તર્કબદ્ધ દાખલા-દલીલો સાથે પોતાની પસંદગીની તરફદારી કરતાં શ્રી લિયોનએ આ સ્મૃતિવનના આર્કિટેકટ બી.વી. દોશી વિશે જણાવતાં કહ્યું હતું કે, આર્કિટેકટની દુનિયામાં જે એવોર્ડનું સવિશેષ મહત્ત્વ રહેલું છે તે આંતરરાષ્ટ્રીય પ્લીત્ઝકર એવોર્ડથી સન્માનિત થયેલા શ્રી દોશી પાસે અત્યારે અન્ય એકસોથી વધુ આર્કિટેકચરો તાલીમ મેળવી રહ્યા છે અને ભારતના અન્ય ઘણા સ્થાપત્યો તૈયાર કરવામાં તેમની સલાહ લેવામાં આવી છે. ગોહિલ કન્સ્ટ્રકશના માધ્યમથી અત્રે ઉપસ્થિત થયેલા શ્રી લિયોનનું પ્રારંભમાં રોટરી પ્રમુખ પ્રફુલ્લ ઠક્કરે સ્વાગત કર્યું હતું. જ્યારે બુકથી સ્વાગત ઈશ્વરભાઈ દેસાઈ અને મોમેન્ટોથી સન્માન અસરફભાઈ મેમણે કર્યું હતું. ઈટાલીમાં રહીને આ ક્ષેત્રે અભ્યાસ કરી રહેલા ભુજના આર્કિટેકટ રાજ ગોહિલે વકતાનો પરિચય આપતાં પોતાના અનુભવો પણ વર્ણવ્યા હતા. જોઈન્ટ સેક્રેટરી નરેન્દ્ર મીરાણીએ રોટરીના અન્ય કાર્યક્રમોની રૂપરેખા આપી હતી. બંકિમ ઉપાધ્યાય, રાજેશ ઠક્કર, ડો. અઝીમ શેઠ વિગેરે ચર્ચામાં જોડાયા હતા. રોટરી મંત્રી ડો. ઉર્મિલ હાથીએ વ્યવસ્થા સંભાળી હતી. આભારવિધિ તિલક કેશવાણીએ કરી હતી. રોટરી પરિવારના સદસ્યો, ભુજ ઈન્જિનીયરિંગ-આર્કિટેકટ એસોસીએશનના સદસ્યો, વિવિધ જ્ઞાતિ આગેવાનો ઉપરાંત રસિકજનોની હાજરી રહી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer