કચ્છના પરિવેશ પરનું `ધીણોધર સંભરન'' પુસ્તક થયું પ્રકાશિત

કચ્છના પરિવેશ પરનું `ધીણોધર સંભરન'' પુસ્તક થયું પ્રકાશિત
ભુજ, તા. 15 : કચ્છની સંસ્થા વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટયૂટ (વી.આર.ટી.આઇ.)ના પ્રકાશન વિભાગ વિવેકગ્રામ પ્રકાશન દ્વારા જાણીતા સર્જક વીનેશ અંતાણી લિખિત પુસ્તક `ધીણોધર સંભરન'નું પ્રકાશન થતાં સંસ્થાની પ્રકાશન શૃંખલામાં એક છોગું ઉમેરાયું છે. યોગાનુયોગ ભુજમાં ઉપસ્થિત સર્જક શ્રી અંતાણીએ પુસ્તકની પ્રથમ પ્રતો વરિષ્ઠ પત્રકાર કીર્તિભાઇ ખત્રી અને સંસ્મૃતિ, ભુજના મંત્રી ઝવેરીલાલ સોનેજીને અર્પણ કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત પ્રકાશન અધિકારી ગોરધન પટેલ `કવિ'એ પ્રસ્તુત પુસ્તક પ્રકાશનને સંસ્થાનું  ગૌરવ ગણાવ્યું હતું. પુસ્તક પ્રસ્તાવના લખનાર કીર્તિભાઇ ખત્રીએ કચ્છના પરિવેશ અને પરિસ્થિતિઓની નજરે કેટલાક વણખેડાયેલા વિષયોને આવરી લેતા આ પુસ્તકને કચ્છની વિશિષ્ટતાઓ સાથે જોડાયેલું ગણાવ્યું છે. પુસ્તક અર્પણ બાદ યોજાયેલ બેઠકમાં સુરેશ મહેતા લિખિત `અંતરયાત્રા' પુસ્તકનું પ્રકાશન હાથ ધરવા નિર્ણય લેવાયો હતો. અંતરયાત્રાના પ્રકાશનમાં પણ વીનેશ અંતાણી તથા ઝવેરીલાલ સોનેજી મધ્યસ્થી બન્યા છે, જે મૂળ અહીંના પણ વિદેશમાં વસતા સર્જકો પૈકીનું વિવેક ગ્રામ પ્રકાશનનું છઠ્ઠું પુસ્તક થશે. આમ, વિવેકગ્રામ પ્રકાશને દરિયા પાર પણ પોતાની પાંખ વિસ્તારી છે. 118 જેટલા પુસ્તકોનું પ્રકાશન સંપન્ન કરનાર વિવેક ગ્રામ પ્રકાશનનો રજત જયંતી કાર્યક્રમ એપ્રિલ-2019માં વિશિષ્ટ રીતે યોજવા તૈયારી આરંભાયાનું યાદીમાં જણાવાયું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer