દેશનું 50 ટકા પશુધન હજુ વણનોંધાયેલું

દેશનું 50 ટકા પશુધન હજુ વણનોંધાયેલું
નવી દિલ્હી, તા. 15 : તાજેતરમાં જ ગુજરાત રાજ્યની 3 પશુ ઓલાદો કાહમી બકરી, પાંચાલી (ડુમ્મા) ઘેટાં અને હાલારી ગધેડાને ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા નવી બ્રીડ તરીકે માન્યતા આપવામાં આવી છે. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા કૃષિ ભવન નવી દિલ્હી ખાતે તાજેતરમાં નવી બ્રીડની માન્યતા અંગેનો રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ એનાયત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. નવી દિલ્હી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાતની ત્રણ નવી પશુ ઓલાદોનો ઉછેર કરતા માલધારીઓ અનુક્રમે નારણભાઇ રબારી (પાંચાલી ઘેટાં), રાણાભાઇ ભરવાડ (હાલારી ગધેડા), સવાભાઇ ભરવાડ (કાહમી બકરી)ને બ્રીડ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ?આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે આ ત્રણે નવી બ્રિડની પ્રોફાઇલ તૈયાર કરનારા અને અરજીકર્તા સહજીવન સંસ્થા વતી રમેશ?ભટ્ટી (પ્રોગ્રામ ડાયરેકટર) તથા આણંદ કૃષિ યુનિવર્સિટી તરફથી ડો. ડી. એન. રાંક (પ્રોફેસર અને હેડ જીનેટિક્સ વિભાગ)ને પણ આ ત્રણે નવી પશુઓલાદોની માન્યતા માટે બ્રીડ પ્રોફાઇલ તૈયાર કરવા માટે ભારત સરકારના કૃષિ અને કિસાન કલ્યાણમંત્રી રાધામોહનસિંહ, પુરુષોત્તમ રૂપાલા, ક્રિષ્ના રાજે અને ગજેન્દ્રસિંહ શેખાવત (રાજ્યકક્ષા)ના હસ્તે રજિસ્ટ્રેશન અંગેના પ્રમાણપત્ર એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પશુપાલન વિભાગ-ગાંધીનગર દ્વારા ગુજરાતની નોનરજિસ્ટર્ડ પશુ ઓલાદોને ઓળખવા માટે અને રજિસ્ટ્રેશન માટે ખાસ પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. જે હેઠળ સહજીવન સંસ્થા-ભુજ દ્વારા કુલ છ નવી ઓલાદો ઓળખી કઢાઇ હતી અને આણંદ કૃષિ યુનિવર્સિટી સાથે કામ કરીને અરજીઓ એનબીએજીઆરને મોકલાઇ હતી. દેશી પશુ નસ્લોની ઓળખ, રજિસ્ટ્રેશન અને સંવર્ધન માટે ગુજરાત રાજ્યએ નમૂનારૂપ કામગીરી કરી હોઇ જેની વિશેષ નોંધ લેવાઇ હતી. આ કાર્યક્રમમાં રજૂ કરાયેલા ભારત સરકારના કૃષિ મંત્રાલયના અહેવાલ મુજબ દેશના કુલ પશુધન પૈકી 50 ટકાથી વધુ પશુઓ નોનરજિસ્ટર્ડ છે, જેમની ઓળખ અને રજિસ્ટ્રેશન કરવું અનિવાર્ય છે, જે સંદર્ભે ભારત સરકારના કૃષિ મંત્રાલય દ્વારા નોનરજિસ્ટર્ડ પશુઓની ઓળખ અને રજિસ્ટ્રેશન માટે મિશન મોડ કાર્યક્રમ હાથ ધરવામાં આવશે તેવું સહજીવન સંસ્થાના પ્રોગ્રામ ડાયરેક્ટર રમેશ ભટ્ટીની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer