નખત્રાણા બદલાયું પણ વચ્ચેનો ધોરીમાર્ગ એનો એ જ

નખત્રાણા બદલાયું પણ વચ્ચેનો ધોરીમાર્ગ એનો એ જ
અશ્વિન જેઠી
નખત્રાણા, તા. 15 : પશ્ચિમ કચ્છનું પાટનગર નખત્રાણાનો 2001ના ધરતીકંપ બાદ વસ્તી તેમજ વ્યાપની રીતે ખૂબ જ વધારો થયો છે. પરંતુ નગર વચ્ચેથી પસાર થતો ભુજ-લખપત હાઇવે માર્ગ એનો એ જ છે અને હા આ માર્ગ પર જે રીતે નાના-મોટા વાહનોનો ટ્રાફિક વધ્યો છે તેના કારણે નગરજનોની પરેશાનીમાં વધારો થયો છે. આનો ઉકેલ શું ? આ સમસ્યાના નિરાકરણ માટે એક જ ઉપાય છે અને તે છે તાત્કાલિક આ નગરને બાયપાસ મંજૂર થાય.


બાયપાસ માર્ગ
હજુ તો 1990ના દાયકામાં આ નગરની ઓન રેકર્ડ વસ્તી માંડ નવેક હજારની આસપાસ હતી, પરંતુ  ત્યારબાદ ભૂકંપ પછી જે રીતે વસ્તી વધી છે, વાહનોની સંખ્યા વધી છે તે જોતાં બાયપાસ અત્યંત જરૂરી છે. અને તે માટે અગાઉની વાત જવા દઇએ તો પણ 2014થી રાજ્યના માર્ગ, મકાન, બાંધકામ ખાતા દ્વારા બાયપાસ તેમજ આરામગૃહના નવા મકાન માટે દરખાસ્ત મોકલવામાં આવી છે. તેમાં આરામગૃહનું કામ આશાપુરા માતાજીના મંદિર પાસે ધમધોકાર ચાલે છે. જ્યારે બાયપાસ રોડની મંજૂરીની રાહ જોવાય છે. બાયપાસ માટે પ્રથમ દરખાસ્ત તા. 1/7/2014 કાર્યપાલક ઇજનેરીની કચેરી માર્ગ-મકાન વિભાગના વર્ષ 2014-15 આગામી બજેટ બુકમાં બાયપાસને નિયત પત્રક સી.એફ.જી. અને એચ.માં સાદર કરવાની ભલામણ દરખાસ્ત કરવામાં આવી છે. ત્યારબાદ તા. 26/10/2016 નખત્રાણા ગામે બાયપાસ રોડ બનાવવાની પત્ર ક્રમાંક પી.બી./નખત્રાણા/640/14 તા. 25/6/2014 પી.બી. રસ્તા 3999 તા. 2/8/2016ની દરખાસ્ત કરવામાં આવી છે. ભુજ-લખપત રસ્તો નખત્રાણા શહેરમાંથી પસાર થાય છે. આ માર્ગ પર લિગ્નાઇટ, નમક, નારાયણસરોવર, માતાના મઢ, હાજીપીર આવવા-જવા માટે ભારે અને હળવા વાહનો સતત પસાર થાય છે, જેથી શહેરમાં સતત અકસ્માતનો ભય રહે છે, જે દરખાસ્ત નવેસરથી તૈયાર કરી પુન: સાદર કરવામાં આવી છે, તે દરખાસ્તને વર્ષ 2017-18ના નવા કામોમાં સમાવવાની વિનંતી છે.ત્યારબાદ તા. 1/1/18 ઉપસચિવ રસ્તા-1 માર્ગ મકાન વિભાગ તરફથી મુખ્યમંત્રી કાર્યાલયને રજૂઆત કરી. અભિપ્રાય મોકલી આપવાનું જણાવાયું છે. આ રીતે છેલ્લા ચાર વર્ષથી  નખત્રાણાને બાયપાસ મળે તેવા સઘન પ્રયાસો હાથ ધરાયા અને ઉલ્લેખનીય છે કે વર્ષ 1981માં નખત્રાણાના બાયપાસ માર્ગનો સર્વે નાગલપર ફાટકથી અંગ્રેજી શાળાના પછવાડે મોટી વિરાણી રોડ સુધી થયો છે.ભુજ-લખપત હાઇવે માર્ગ પરના આ નગરની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે ફાજલ જગા નથી. માર્ગ-રાજ્ય હસ્તક છે તો માર્ગની આસપાસની જમીન ગામતળમાં છે, ત્યારે આ માર્ગથી 24 કલાક પસાર થતો ટ્રાફિક કોઇ?મોટા શહેરની ટ્રાફિકની બરોબરી કરે છે. તેમાં માર્ગ પરના નાના-મોટા ધંધાર્થીઓની રેંકડીઓ શાક વેચતા કાછિયાઓ તેમજ દુકાનદારો દ્વારા માર્ગ પર પતરાનાં શેડ નાખી કરાતાં દબાણના કારણે આ હાઇવે ખૂબ જ સાંકળો બન્યો છે. તો વહીવટી તંત્ર દ્વારા નાના-મોટા માર્ગ પરથી દબાણો દૂર થાય તો તેમને વૈકલ્પિક વ્યવસ્થા માટે કોઇ જમીન જ નથી, તો આજીવિકાનો પ્રશ્ન પણ ઊભો થાય ? ખેર એ તો વહીવટી પ્રશ્ન છે, પરંતુ આ નગરનાં દબાણ મોટી પીડા છે. તે માટે કોઇ પણ માર્ગ અવશ્ય ઊભયપક્ષો દ્વારા શોધવો  પડશે તેમાં બે મત નથી.નખત્રાણા, લખપત, અબડાસા મતક્ષેત્ર ધરાવતા આ વિસ્તારને ભારોભાર વિકાસના પ્રશ્ને અન્યાય થઇ રહ્યો છે. ત્યારે આ વિસ્તારના દરેક રાજકીય આગેવાનોની નિષ્ઠાનો અભાવ છે. ખરેખર તો આ નગરને સરકારી સવલતોની ઝંખના છે. તો વિકાસના પ્રશ્ને રાજકીય પક્ષાપક્ષી પણ કારણભૂત છે.


નર્મદાના નીર
તાજેતરમાં આ ત્રણેય તાલુકાના ભારતીય કિસાન સંઘ દ્વારા નર્મદાના નીર લાવો, કચ્છ બચાવો અંતર્ગત સમાજના દરેક વર્ગની મહાસભા મહારેલીનો જબરદસ્ત કાર્યક્રમ યોજાયો હતો. પાતાળના ભૂગર્ભજળ દિવસોદિવસ ઊંડા ઊતરી રહ્યા છે.  ત્યારે એક જ સૂર હતો કે કોઇ પણ સંજોગોમાં તાત્કાલિક નર્મદાના પ્રશ્ને જાગૃત થઇ નર્મદાનાં પાણી આ વિસ્તારને મળવા જોઇએ.ઉપરાંત નખત્રાણાને પીવાનું પાણી પૂરું પાડતા અંદાજે બારેક જેટલા બોર કાર્યરત છે. જે સતત પાતાળમાંથી પાણી ઉલેચે છે. ઉપરાંત ખેતીવાડી માટે ખેંચાતું પાણી તે તો અલગ. ત્યારે પાતાળના તળ ઊંડા ઊતરે તેમાં નવાઇ નહીં. તેના પર વરસાદ અનિયમિતતા, પાણી પ્રશ્ન ચિંતામાં ઓર વધારો કરે છે. નગરને પીવાનું પૂરું પાડતા પાણીના ટાંકામાં નર્મદાના પાણીના કનેકશનો અપાઇ ગયાં છે. પરંતુ પાણી આપવામાં નથી આવતું. તો અહીં નખત્રાણા એપીએમસી માર્કેટ માટેની મંજૂરી મળી ગઇ છે. નવ એકર જમીન સંપાદનની પ્રક્રિયા તાત્કાલિક થાય તે જરૂરી છે. ખેડૂતો હાલ અંજાર-માંડવીના ધક્કા ખાય છે અને છેલ્લે તાજેતરમાં રાજ્યના મંત્રી  વાસણભાઇ આહીરે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા રથયાત્રાના પ્રસ્થાન પ્રસંગે જણાવ્યું હતું કે, ભુજથી ના.સરોવર સુધી ચારમાર્ગીય માર્ગ બનાવવાની રાજ્ય સરકારમાં દરખાસ્ત થઇ ગઇ છે. મંજૂરી મળતાં આ માર્ગ ચારમાર્ગીય તાત્કાલિક બનશે. તો વથાણમાંથી મોટી વિરાણી જતા માર્ગ પાસે ચકરાવો બને તે પણ જરૂરી છે.તો રાજ્ય સરકારને કરોડો રૂા.ની ખનિજની આવક આપતા પશ્ચિમ કચ્છના વિકાસના પ્રશ્ને સરકારે તેમજ પ્રજાજનોએ  જાગૃત થવું પડશે તેમાં કોઇ શંકાને સ્થાન નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer