કોંગી કાર્યકરોને બૂથ સુધી પહોંચવા હાકલ

કોંગી કાર્યકરોને બૂથ સુધી પહોંચવા હાકલ
ભુજ, તા. 15 : કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિની મળેલી કારોબારીની બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઇ કાર્યકરોને બૂથ કક્ષાએ પહેંચી જવા પક્ષના લોકસભાના ઇન્ચાર્જ ખુરશીદ સૈયદે હાકલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણીની તૈયારીઓ અત્યારથી શરૂ કરી કોંગ્રેસના આગેવાનો, હોદેદારો તથા કાર્યકરોએ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા વિસ્તારના બૂથમાં સંવાદ કરવા પહોંચી જવું પડશે. નાકરિકોના પ્રશ્નોને વાચા આપવા પણ જણાવ્યું હતું. જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત હોદેદારોને અભિનંદન પાઠવતાં સાથે સંગઠન સાથે રહી કચ્છના લોકોના પ્રશ્નોને વાચા આપવા કોંગી કાર્યકર તૈયાર રહે. કચ્છ લોકસભા 2019 કોંગ્રેસ જીતે અને રાહુલજીને કચ્છ લોકસભા ભેટ આપીએ તેવું જણાવ્યું હતું. પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી હીરાભાઇ જોટવાએ જણાવ્યું હતું કે સંગઠન વધુ મજબૂત બનાવી સાથે કોંગી કાર્યકર બૂથ મજબૂત કરી આગામી કચ્છ લોકસભા સીટ જીતવાનો નિર્ણય દરેક કોંગ્રેસ કાર્યકર નક્કી કરી લે. જિલ્લા પંચાયત વિપક્ષી નેતા વી.કે. હુંબલ, પ્રદેશ મંત્રી રવિભાઇ ત્રવાડી, અરજણભાઇ ભુડિયા, રફીકભાઇ મારા, કલ્પનાબેન જોશી, નરેશભાઇ મહેશ્વરી, આદમભાઇ ચાકી, શિવદાસભાઇ પટેલ, ઇબ્રાહીમભાઇ મંધરા વિગરેએ પ્રવચન કર્યું હતું. મુખ્ય ઠરાવ કચ્છ જિલ્લામાં અછતની પરિસ્થિતિ હોતાં તાત્કાલિક ઢોરવાડા શરૂ કરવામાં આવે, કચ્છ મહિલા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ સ્વ. હંસાબેન પંડયા તથા ભુજ તા. પંચાયતનાં ઝુરા સીટના સદસ્ય સ્વ. લક્ષ્મણ વેરશીભાઇ મહેશ્વરીને શ્રદ્ધાંજલિ અપાઇ હતી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ રાહુલજીને પદ પર એક વર્ષ પૂર્ણ થતાં તેમજ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં પક્ષના વિજય થવા બદલ અભિનંદન ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.નવનિયુક્ત હોદેદારો, તાલુકા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ, વિરોધપક્ષના નેતા, સેલ-પાંખના ચેરમેન, જિલ્લા પંચાયત સદસ્ય ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન કચ્છ કોંગ્રેસ મહામંત્રી ડો. રમેશ ગરવા, આવકાર પ્રવચન ભુજ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરેશ આહીર, આભારવિધિ ભુજ નગર- પાલિકાના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer