આતંકીઓના તરફદાર 8 પથ્થરબાજ ઠાર

શ્રીનગર, તા.15 : આજે સવારે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટર બાદ પુલવામા અશાંત બન્યું હતું. ત્રણ આતંકવાદીઓ જ્યાં માર્યા ગયા હતા અને એક સુરક્ષાકર્મી શહીદ થયો હતો તે એન્કાઉન્ટરના સ્થળ પર ધસી આવેલા સ્થાનિક લોકોને હટાવવા દરમ્યાન સુરક્ષાદળો અને સ્થાનિક લોકો વચ્ચે થયેલા સંઘર્ષમાં ઓછામાં ઓછા 8 લોકોનાં મોત થતાં સ્થિતિ પ્રવાહી બની છે. મૃતકોમાં ઈન્ડોનેશિયાથી એમબીએની ડિગ્રી લઈને પરત આવેલો કાશ્મીરી યુવક આબિદ પણ સામેલ છે. તંત્રે ઈન્ટરનેટ સેવાઓને બંધ કરી છે. પોલીસ અધિકારીઓ પાસેથી મળતી માહિતી અનુસાર ઝહૂર અહમદ ઠોકર નામના ખૂંખાર આતંકવાદી સહિત ત્રણ આતંકવાદી શિરનૂ ગામમાં હોવાની ગુપ્તચર બાતમી મળ્યાના આધારે સુરક્ષાદળોએ એક રહેણાક મકાનને ઘેર્યું હતું. સુરક્ષાદળોની હાજરી ભાળીને લપાયેલા આતંકવાદીઓએ ગોળીબાર કરતાં એન્કાઉન્ટર ફાટી નીકળ્યું હતું. દરમ્યાન, ઠોકર એન્કાઉન્ટરમાં ફસાયો હોવાની વાત ફેલાતાં મોટી સંખ્યામાં લોકો ત્યાં ધસી આવ્યા હતા અને આતંકીનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. ઠોકર આ જ ગામનો હોવાને કારણે લોકો ત્યાં ધસી આવ્યા હતા. લોકોએ ભારે પથ્થરમારો કરતાં સુરક્ષાદળોએ બે મોરચે કામ પાર પાડવું પડયું હતું. સલામતીદળોએ એન્કાઉન્ટર દરમ્યાન ઠોકર સહિત બે મળીને તમામ ત્રણ આતંકવાદીને ઠાર માર્યા હતા. આ દરમ્યાન એક જવાન શહીદ પણ થયો હતો. સ્થાનિક લોકો સાથેના સંઘર્ષ અને ભારે પથ્થરમારા વચ્ચે સલામતીદળોએ પોતાના બચાવમાં કરેલી કાર્યવાહી દરમ્યાન આઠ સ્થાનિકોનાં મોત થયાં હતાં. આ ઘટનાને પગલે પુલવામા અને આસપાસના ગામોમાં ભારે તંગદિલીનો માહોલ છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ત્રણે આતંકવાદીઓ માર્યા જવા સાથે એન્કાઉન્ટર માત્ર પચ્ચીસ મિનિટમાં પૂરું થઈ ગયું હતું પરંતુ સલામતી દળો ત્યારે મુશ્કેલીમાં મુકાયા હતા જ્યારે લોકોએ સેનાના વાહનો પર ચઢવાનું શરૂ કર્યું હતું. લોકોને ચેતવણી આપવા માટે હવામાં ગોળીબાર પણ કર્યો હતો પરંતુ તેની અસર ન થતાં લોકો પર ગોળી ચલાવવામાં આવી હતી.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer