રાફેલ : કેગ સંબંધી ભૂલ સુધારવા કેન્દ્ર સુપ્રીમમાં

નવી દિલ્હી, તા. 15 : રાફેલ સોદા મામલે `કેગના ગુમ અહેવાલ' અંગે કોંગ્રેસના મોટા આક્ષેપ બાદ કેન્દ્ર સરકારે શનિવારે સોગંધનામું કરીને સુપ્રીમ કોર્ટ સમક્ષ અરજી કરતાં સર્વોચ્ચ અદાલતના એ શુક્રવારના ફેંસલામાં કેગ રિપોર્ટ અને સંસદીય હિસાબ સમિતિનો સંદર્ભ છે તે પેરેગ્રાફમાં સુધારો કરવાની માગ કરી હતી. અહેવાલો અનુસાર, મોદી સરકારે કોંગ્રેસી આરોપોને ફગાવી દેતાં એવો દાવો કર્યો હતો કે, અમે કેગ અહેવાલ મુદ્દે અદાલતને કદી ગેરમાર્ગે દોરી નથી. આ માત્ર ટાઈમિંગની ભૂલ લાગે છે, જેના માટે સરકારે સોગંધનામું કરીને સુપ્રીમ કોર્ટ સમક્ષ સુધારો કરવાની માંગ કરી છે, તેવું એક કાનૂની અધિકારીએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સર્વોચ્ચ અદાલતે ગઈકાલે શુક્રવારે સરકારને ક્લિનચીટ આપતા ફેંસલામાં કહ્યું હતું કે, રાફેલની કિંમતની વિગતો કેગને અપાઈ હતી, અને કેગનો અહેવાલ સંસદીય હિસાબ સમિતિ (પીએસી)એ જોયો હતો. સુપ્રીમના ફેંસલા બાદ વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને પીએસીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, કેગનો આવો કોઈપણ પ્રકારનો  અહેવાલ  અમારી સામે આવ્યો નથી. હકીકતમાં રાફેલ સોદામાં યુદ્ધ વિમાનોની કિંમત અંગે કેગના અહેવાલની તપાસ સંસદીય હિસાબ સમિતિ (પીએસી) કરશે તેવું નોંધવાનું હતું, પરંતુ પીએસી કેગનો અહેવાલ તપાસી ચૂકી છે તેવું સુપ્રીમકોટના ફેંસલામાં લખાઈ ગયું હતું. મોદી સરકાર સુપ્રીમ કોર્ટમાં ખોટું બોલી રહી છે, તેવા વિપક્ષી આક્ષેપોને ફગાવી દેતાં કેન્દ્રની ભાજપી સરકારે સુપ્રીમને આ સુધારાની માંગ કરી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer