છત્તીસગઢ : સીએમ અંગે આજે ફેંસલો

રાયપુર, તા. 15 : મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં મુખ્યમંત્રી કોને બનાવાશે તે વિશેની ઘોષણા બાદ છત્તીસગઢમાં કોને સીએમ બનાવવા તે મામલો અટવાયો છે. પ્રથમ બે રાજ્યોની જેમ છત્તીસગઢમાં સીએમ પદના તમામ ચારેય દાવેદારો સાથેની પોતાની તસવીર પક્ષપ્રમુખ રાહુલ ગાંધીએ જારી કરી છે, પરંતુ કોને સીએમ બનાવાશે તે વિશે પક્ષે હજી સુધી કશું જણાવ્યું નથી. આવતીકાલે બપોરે બાર કલાકે અત્રે વિધાનસભા પક્ષની બેઠકમાં સીએમના નામ પર અંતિમ મહોર લાગશે એમ જણાવી રાજ્ય માટેના પક્ષના પ્રભારી પીએલ પુનિયાએ આજે જણાવીને ઉમેર્યુ હતુ કે તે પછી તા. 17મીએ અહીંની સાયન્સ કોલેજના ગ્રાઉન્ડમાં સીએમના શપથગ્રહણ સમારંભ થશે. રાજ્યના મામલે ગાંધીની આજે ત્રીજા દોરની વાતચીત  થઈ   હતી.  મુખ્યમંત્રી  પદના ચાર સંભવિત ઉમેદવારો-ટીએસસિંહ દેવ, તામ્રધ્વજ સાહુ, ભૂપેશ બઘેલ અને ચરણદાસ મહંત સાથે પક્ષપ્રમુખ રાહુલ ગાંધીએ, અહીં તુઘલક લેનમાંના પોતાના આવાસ ખાતે બેઠક કરી મંત્રણા કરી હતી. બેઠકમાં પક્ષના કેન્દ્રીય નિરીક્ષક મલ્લિકાર્જુન ખડગે અને પુનિયા પણ સામેલ હતા. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે યુપીએના અધ્યક્ષા સોનિયા ગાંધી અને પ્રિયંકા વાડ્રા પણ તેમાં સામેલ હતા. ઉકત તસવીર ટવીટ પર મૂકવા સાથે રાહુલ ગાંધીએ રીડ હોફમેનને ટાંકતાં લખ્યું હતું કે `અગર આપ અકેલે ખેલ રહે હૈ તો ઈસસે કોઈ ફર્ક નહીં પડતા કિ આપકી રણનીતિ કિતની શાનદાર હૈ, આપ હંમેશાં એક ટીમ સે હાર જાએંગે.' પક્ષે રાજ્યમાં 1પ વર્ષ બાદ બે તૃતીયાંશ બહુમતી સાથે સત્તા હાંસલ કરી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer