પીએફની 75 ટકા જમા રકમ ઉપડી શકશે

નવી દિલ્હી, તા.15 : પ્રોવિડન્ટ ફન્ડ અંશધારકોને હવે નિવૃત્તિ બાદ પણ કોઈ મોટા ખર્ચમાં પરેશાની રહેશે નહીં. નિવૃત્તિ ભંડોળ સંસ્થા કર્મચારી ભવિષ્યનિધિ સંગઠન (ઈપીએફઓ)એ તેના સભ્યોથી જોડાયેલો એક રાહતભર્યો નિર્ણય લીધો છે જેમાં નોકરીની સમાપ્તિ પર ઈપીએફઓ સભ્ય પોતાના પીએફમાં જમા રકમના 75 ટકા રકમનો એકસાથે ઉપાડ કરી શકશે. આ સિવાય લેવાયેલા મહત્ત્વના નિર્ણયોમાં પીએફના ખાતાને આધારકાર્ડથી જોડવું ફરજિયાત બનાવાયા બાદ પહેલી જાન્યુઆરીથી પીએફના આધારથી જોડાયા વિનાનાં ખાતાં નિક્રિય બની જશે. પીએફના દાવાઓ પણ હવેથી માત્ર ઓનલાઈન જ સ્વીકારવામાં આવશે. નોકરી ગયા બાદ ઈપીએફઓ સભ્ય પોતાના પીએફ ખાતામાં જમા 75 ટકા રકમ એક મહિનાની અંદર ઉપાડી શકશે. છઠ્ઠી ડિસેમ્બરથી જ આ નિયમને લાગુ કરી દેવામાં આવ્યો છે. આ પહેલાં સુધી ગ્રાહકોને બે મહિના બાદ પૂરી રકમ  ઉપાડવાની અનુમતિ રહેતી હતી.  પહેલાં કર્મચારી નોકરીની સમાપ્તિના બે મહિના બાદ જ પૂરી રકમનો ઉપાડ કરી શકતા હતા. અને 75 ટકા રકમ એક મહિના બાદ ઉપાડી શકતા હતા. પીએફના સંશોધિત નિયમો અનુસાર ગંભીર બીમારીના ઈલાજ, બાળકોના અભ્યાસ અને લગ્ન માટે પીએફની પૂરી રકમ ઉપાડાઈ શકાય છે. ઈપીએફઓએ ડિજિટલ ઈન્ડિયા તરફ કદમ માંડતાં પહેલી જાન્યુઆરીથી ઓફલાઈન દાવાઓનો સ્વીકાર ન કરવાનો નિર્ણય કર્યો છે. હવેથી માત્ર ઓનલાઈન દાવા જ સ્વીકારવામાં આવશે. જે સભ્ય કર્મચારીએ હજુ સુધી ઓનલાઈન વ્યવહાર શરૂ કર્યા નથી તેમને કારણ બતાઓ નોટિસ જારી કરવામાં આવી રહી છે એમ પત્રકારો સાથે વાત કરતાં દેહરાદૂનના ક્ષેત્રીય ભવિષ્યનિધિ કમિશનર મનોજ કુમાર યાદવે જણાવ્યું હતું. દરમ્યાન, તેમણે કહ્યું કે ઈપીએફઓ પહેલી જાન્યુઆરીથી સંપૂર્ણ ઓનલાઈન બની જશે. ઈપીએફઓથી જોડાયેલા ખાતાધારકોએ પોતાના ખાતા 31 ડિસેમ્બર સુધી ઓનલાઈન કરવાના રહેશે. આ માટે ઈપીએફ ખાતાના આધાર સાથે લિન્ક હોવાની સાથે બેન્ક અને મોબાઈલ નંબરથી પણ લિન્ક હોવું જરૂરી છે. આવું ન હોવાના સંજોગોમાં ઈપીએફ ખાતામાંથી પીએફ કલેઈમ, ફંડ ઉપાડ અને ફંડ ટ્રાન્સફરની સુવિધા મળી શકશે નહીં. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer