ઓપનરો વિફળ, વિરાટ-રહાણેની વળતી લડત

પર્થ, તા. 15 (પીટીઆઈ)  : અહીં બીજી ટેસ્ટના બીજા દિવસે આજે ઓસ્ટ્રેલિયાનો પહેલો દાવ 326 રનમાં પૂરો થયા બાદ  ભારતીય કપ્તાન વિરાટ કોહલીના પરિપક્વ 82 રન(દાવમાં) અને ફોર્મમાં પરત આવી ગયેલા અજિંક્ય રહાણે(પ1 રને દાવમાં)એ બાજી સંભાળી લેતાં ટીમ ઈન્ડિયા નબળી શરૂઆત છતાં ત્રણ વિકેટે 172 રનની સારી પરિસ્થિતિએ પહોંચી હતી અને આવતી કાલે બેટધરોનો દેખાવ ચાવીરૂપ રહેશે. સાતત્યવિહોણો મુરલી વિજય શૂન્ય રને અને એવો જ સાતત્યવિહોણો લોકેશ રાહુલ માત્ર બે રને આઉટ થઈ ગયા હતા અને પર્થની ગ્રીન ટોપ વિકેટ પર ભારત પર મુસીબતના વાદળો ઘેરાયાં હતાં પણ સદાબહાર વિરાટે પહેલા ચેતેશ્વર પૂજારા(24) સાથે 200 દડામાં ધૈર્યપૂર્ણ 74 રન જોડયા હતા. જો કે,82ના સ્કોર પર જામેલો પૂજારા સ્ટાર્કનો શિકાર બન્યો હતો પણ ત્યાર બાદ આવેલા રહાણેએ શરૂઆતથી જ આક્રમક અભિગમ અપનાવીને ભારત પરનું દબાણ થોડું હળવું બનાવી નાખ્યું હતું. તો સામે છેડે પહેલી ટેસ્ટની નિષ્ફળતા બાદ બીજી ટેસ્ટમાં રન બનાવવા માટે મક્કમ જણાતો કોહલી અડીખમ હતો. તેણે ટેસ્ટ ક્રિકેટની અસલ બેટિંગ કરી હતી. સારા દડાને સન્માન આપ્યું હતું તો નબળા દડાને ફટકાર્યા હતા.દિવસના અંત સુધી વિરાટ અને રહાણેએ 90 રનની વણતૂટી ભાગીદારી નોંધાવી હતી. કોહલીએ 181 દડામાં 9 ચોગ્ગા તો રહાણેએ 103 દડામાં 6 ચોગ્ગા અને એક સિક્સર ફટકાર્યા હતા. સ્ટાર્કે 42 રનમાં બે તો હેઝલવૂડે પ0 રનમાં 1 વિકેટ ખેરવી હતી. સતત નિષ્ફળ જઈ રહેલા લોકેશ રાહુલને ટીમમાં નિયમિત સ્થાન સામે વધુ ને વધુ સવાલો ઉઠી રહ્યા છે.અગાઉ ઈશાંત શર્મા(41 રનમાં 4 વિ.) એન્ડ કંપનીએ ઓસીની પહેલી ઈનિંગ્સ 326 રનમાં પૂરી કરી હતી. પેન 38 રને તો કમિન્સે 19 રને આઉટ થયા હતા. બુમરાહે પ3 રનમાં બે વિ. અને વિહારીએ પ3 રનમાં બે વિ. ખેરવી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer