રસાકસીભર્યા જંગ બાદ સિંધુ બીજીવાર વર્લ્ડ ટૂર ફાઇનલમાં

ગુઆંગઝોઉ, તા. 15 (પીટીઆઇ) : પોતાનું શાનદાર પ્રદર્શન જારી રાખતાં ભારતીય બેડમિન્ટન સ્ટાર પી. વી. સિંધુએ શનિવારે સળંગ બીજીવાર વર્લ્ડ ટૂરની ફાઇનલમાં સ્થાન મેળવી લીધું હતું. જો કે, મેન્સ સિંગલ્સમાં નવોદિત સમીર વર્માનું અભિયાન સમાપ્ત થઇ ગયું હતું. અગાઉની એડિશનમાં રનરઅપ રહેલી 23 વર્ષીય સિંધુએ 54 મિનિટ સુધી ચાલેલા રસાકસીભર્યા દિલધડક મુકાબલાના અંતે 2013ની વિશ્વવિજેતા થાઇલેન્ડની રચાનોક ઇંટાનોનના મજબૂત પડકારને પહોંચી વળતાં 21-16, 25-23થી જીતી હતી.ઉલ્લેખનીય છે કે, સિંધુ છેલ્લા બે વર્ષ દરમ્યાન ઇંટાનોન સામે એકપણ મુકાબલામાં હારી નથી. ઓલિમ્પિકની રજતચંદ્રક વિજેતા ભારતીય બેડમિન્ટન સ્ટાર હવે જાપાનની નોઝોમી ઓકુહારા સામે ફાઇનલ મુકાબલા માટે ટક્કર લેશે. સિંધુ ગત વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશિપ ફાઇનલમાં નોઝોમી સામે હારી હતી. જો કે, હવે સિંધુ જીતના આત્મવિશ્વાસ સાથે રમશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer