મુંદરા જાણે વ્હાઇટ કોલર ક્રાઇમનું હબ !

મુંદરા, તા. 15 : નગર અને તેની આસપાસના વિસ્તારમાં સંખ્યાબંધ બોગસ કંપનીઓએ આકાર લીધો છે અને વ્હાઇટ કોલર ક્રાઇમનો ગ્રાફ ઊંચકાયો છે. તાજેતરમાં બોગસ બિલિંગ કૌભાંડ સંદર્ભે સોસાયટી વિસ્તારનું સરનામું બતાવનાર મે.ઐયર એન્ટરપ્રાઇઝના ચુડામણી ઐયરનું પ્રકરણનું ભીનું સંકેલાઇ ગયું હોવાની ચર્ચા છે. આમ થવા પાછળનું કારણ અનેક નજીકના સૂત્રોના પગ નીચે રેલો આવે તેમ હતું. સમગ્ર રાજ્યનું રૂા. 1700 કરોડના બોગસ બિલિંગ કૌભાંડ પ્રકરણ પૈકી આ વ્હાઇટ કોલર ક્રાઇમમાં મુંદરાનો હિસ્સો રૂા. 150 કરોડથી વધુનો છે. કપાસના વેપારની  સાથે કરોડો  રૂા.ના હવાલા પ્રકરણમાં તંત્રના અધિકારીઓ અને ખાનગી બેન્કના સૂત્રધારો પણ પલળેલા હોવાનો આક્ષેપ છે. ખેડૂતો પાસેથી ખરીદાયેલો કપાસ ગોંડલ ઉપરાંત રાજકોટ મોરબી સહિતના વિસ્તારોમાં  વેચવામાં આવ્યો પણ વેચાણ કાગળ ઉપરનું જ રહ્યું. મુંદરા તાલુકામાં ઉત્પાદિત કપાસ કરતાં ગોંડલ સહિતના વિસ્તારોમાં વેચાયેલો કપાસ વધુ કિંમત તથા જથ્થાનો છે. જે કપાસનું મુંદરાથી વેચાણ થયું તેનું ચૂકવણું બેન્ક મારફતે આર.ટી.જી.એસ.થી મુંદરાની પેઢીને કરવામાં આવ્યું. આ કરોડો રૂા.ની રકમ ખાનગી બેન્કોએ હપ્તા વાઇસ મુંદરાની પેઢીને ચૂકવી નાખી. રૂા. 2 લાખથી વધુની કેસ ઉપાડી શકાય નહીં.  પણ ખાનગી બેન્કોએ 50 લાખ કે તેથી વધુની રકમ પાર્ટીને  રોકડમાં ચૂકવી. પાર્ટીએ એક ચોક્કસ આંગડિયા મારફતે એ રકમ આરટીજીએસ કરનાર એટલે કે કપાસ ખરીદનાર પાર્ટીને રોકડ સ્વરૂપે પહોંચતી કરી. રૂા. 1 કરોડના વ્યવહારમાં 10થી 12 લાખ રૂા.નો ગાળો રાખવામાં આવ્યો. કપાસ મુંદરાથી નિકાસ થયો જ નથી. માત્ર બિલો રવાના થયા અને બેન્ક મારફતે પેમેન્ટ થયું અને આંગડિયા મારફતે થયેલા પેમેન્ટને પરત કરી દેવામાં આવ્યું. સમગ્ર કિસ્સા ઉપરાંત વ્હાઇટ કોલર ક્રાઇમના અન્ય કેટલાક કિસ્સાની તપાસ અર્થે 3 સનદી અધિકારીઓએ મુંદરાની હોટલમાં ધામા નાખ્યા છે. કપાસના સોદા રાજ્યની વિવિધ માર્કેટ યાર્ડમાં 20થી 30 ટકા જેટલા જ થાય છે. બાકીના સોદા ખેડૂતની  વાડીઓ ઉપરથી સીધી ખરીદીના સ્વરૂપે થાય છે.  કાંટો અને કેસ પેમેન્ટ એકસાથે થાય છે. બનાવટી ખેડૂતો ઉભા કરીને કપાસની ખરીદી મુંદરા સ્થિત કાર્યરત કંપનીઓ કરે છે. સૂત્રો અન્ય વિગત એવી આપે છે કે, ભૌતિક રીતે એક જ ઓફિસ ધરાવતા સૂત્રો એક જ ઓફિસમાં બેઠા બેઠા 5થી 7 કંપનીઓ ચલાવે છે. કોઇપણ કંપનીના લેટરપેડ, સિક્કા સહિતની ચીજવસ્તુ બનાવવી સરળ અને બિનગુના પાત્ર છે પણ આ કંપનીઓ કોના નામે છે તેની માહિતી ઓફિસમાં બેઠેલા માસ્ટર માઇન્ડ પાસે જ હોય છે. થોડો સમય કંપની ચાલે છે, બાદમાં પાટિયા બદલાવી નાખવામાં આવે છે. વિદેશથી આયાત થતો માલ સાંગોપાંગ નીકળી જાય તો પેઢી કે કંપની છે અને પકડાય તો સરનામું ખોટું આપ્યું છે તેવું બહાર આવે છે અને આવા ખેલ લાંબા સમયથી ચાલે છે. નોંધપાત્ર વિગત એ છે અધિકારી  વર્ગની ભાગીદારી વગર શક્ય નથી. કૌભાંડની કડી ક્યાંક તૂટે છે ને સીધું મુંદરાનું નામ સપાટી ઉપર આવે છે. એજ એમ સૂચવી જાય છે કે પ્લાનેટ વ્હાઇટ કોલર ક્રાઇમનું મુંદરા હબ બનતું જાય છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer