કચ્છના ઉદ્યોગોમાં સ્થાનિકને રોજગારી આપો

ભુજ, તા. 15 : કચ્છના સ્થાનિક ઉમેદવારોને ઉદ્યોગોમાં ખાલી પડતી જગ્યા ઉપર નિમણૂકમાં અગ્રતા આપવા અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનાસિંહ જાડેજા દ્વારા આજે ભુજ ખાતે મળેલી સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા કલકટરને રજૂઆત કરતાં અબડાસા-લખપત વિસ્તારમાં આઇટીઆઇ કરેલા બેરોજગારોને સ્થાનિકે તક આપવા ભારમૂક્યો હતો. ભુજ ખાતે કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં જિલ્લા કલેકટર રેમ્યા મોહનના અધ્યક્ષપદે યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં શ્રી જાડેજાએ એસ.ટી. દ્વારા વિદ્યાર્થી માટે નિયત રૂટોની બસ સુવિધા ઉપલબ્ધ કરાવવા, કલેકટર કચેરી સામે ફૂલઝાડ કુંડા વેચનારાનાં દબાણો, બંધારાના કામો અલગ-અલગ ગામોમાં હાથ ધરવા, બોર-કૂવા સફાઇ તેમજ ઊંડા ઉતારવા, અબડાસા વિસ્તારના માર્ગો પર સાઇનબોર્ડ મૂકવા, વીજબિલનાં ભરણાની સુવિધા વધારવા સહિતના પ્રશ્નો રજૂ કરાયા હતા.જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન વસંતભાઈ વાઘેલાએ અમુક પ્રસંગોએ તેમના હોદ્દાનો શિષ્ટાચાર જળવાતો ન હોવાની ફરિયાદ કરી હતી. જિલ્લાના અન્ય તમામ ચૂંટાયેલા નેતાઓની ગેરહાજરી હતી અને તે ગેરહાજરી ચર્ચાનો વિષય બની હતી.જિલ્લા કલેકટર રેમ્યા મોહને સ્થાનિક રોજગારી સંદર્ભે એપ્રેન્ટિસ સ્કિમ અંતર્ગત તેમજ જોબફેર યોજીને જિલ્લા રોજગાર કચેરી દ્વારા કાર્યવાહી કરાતી હોવાનું જણાવ્યું હતું, જ્યારે જિલ્લા રોજગાર અધિકારીએ પોતાનો જવાબ રજૂ કર્યો હતો. સામાજિક ન્યાય સમિતિના ચેરમેનના હોદ્દાનો પ્રોટોકોલ જળવાય તે માટે વિભાગીય વડાઓને સૂચના આપી પદાધિકારીઓના જુદાં-જુદાં પ્રશ્નોએ કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું હતું. ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોર્ડિનેશન સંદર્ભે જિલ્લા કલેકટર રેમ્યા મોહને વિવિધ કચેરીના જમીન સંબંધિત પ્રશ્નો સહિત આંગણવાડીને પાણી-વીજ કનેકશન, ગરીબ કલ્યાણ મેળાની એન્ટ્રી તેમજ સરકારી કચેરીની જમીનની ડેટા એન્ટ્રી તાકીદે કરીને તેના પ્રમાણપત્ર રજૂ કરવાના પ્રશ્ને વિભાગોના વડાઓને તાકીદકરી હતી.અધિક કલેકટર કે.એસ. ઝાલાએ અધિકારીઓની સંકલન બેઠકમાં કચેરીઓના પડતર કેસો અને બાકી લેણાંની વસૂલાત, પેન્શન કેસો, નાગરિક અધિકારપત્ર, પડતર તુમાર સહિતના પ્રશ્નોની ઉપરાંત  પદાધિકારીઓના પ્રશ્નોની અધિકારીઓ સાથે છણાવટ કરી હતી. આ બેઠકમાં પશ્ચિમ વિભાગના પોલીસવડા એમ.એસ. ભરાડા, પૂર્વ કચ્છના એસ.પી. પરીક્ષિતા રાઠોડ, સિવિલ સર્જન ડો. કશ્યપ બૂચ, પ્રાંત અધિકારીઓ શ્રી ઝાલા અને શ્રી વસ્તાણી, ડીપીઓ મહાવીરાસિંહ રાઓલ, નાયબ ડીડીઓ અશોકભાઈ વાણિયા, માર્ગ-મકાનના કા.ઇ. જે.ઓ. શાહ, પશુપાલનના ડો. બ્રહ્મક્ષત્રિય, સી.ઓ. સંદીપાસિંહ ઝાલા, ખેતીવાડીના પ્રોજેકટ ઓફિસર રવિરાજાસિંહ ઝાલા, સમાજ કલ્યાણ અધિકારી શ્રી બારોટ, ડીપીઓ સંજય પરમાર સહિતના જુદા-જુદા વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા   

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer