હાઇકોર્ટે મનાઇ હુકમ હટાવી લેતાં ભુજના સરદાર નગર-2 સામેના અંતરાયો થયા દૂર

કેરા (તા. ભુજ), તા. 15 : જિલ્લા મથક ભુજ શહેરમાં રાવલવાડી રિલોકેશન સાઇટ વિસ્તારમાં ત્રિમૂર્તિ મંદિર સામેના વિસ્તારમાં નરનારાયણનગર પછવાડે આવેલા સરદાર પટેલ નગર-2ની જમીન બાબતે છેલ્લા લાંબા સમયથી ચાલી આવતા કાનૂની જંગમાં અંતે રાજ્યની વડી અદાલતે મનાઇહુકમ ઉઠાવી લેતો આદેશ કરતાં આ ચર્ચાસ્પદ પ્રકરણમાં કાનૂની અવરોધો દૂર થયા છે. મિલકત બાબતે પરિવારમાં પિતા અને પુત્ર વચ્ચે અને બાદમાં પિતા અને પુત્રી વચ્ચે ઊભા થયેલા વિવાદવાળા આ પ્રકરણ દરમ્યાન અનેક ઘટનાઓ બનવા સાથે ઉતાર-ચડાવ અને કાનૂની દાવપેચ અખત્યાર થયા હતા. દરમ્યાન ગત ગુરુવારે રાજ્યની હાઇકોર્ટ દ્વારા આ મામલામાં આપેલો મનાઇહુકમ ઉઠાવી લેવાનો આદેશ કર્યો હતો. જેને લઇને આ જમીન ઉપર સરદાર પટેલ નગર-2નો વિકાસ કરી રહેલા એસ.વી.સી.ટી.વાળા ગોપાલભાઇ ગોરસિયાની તરફેણમાં ચુકાદો આવ્યો છે. ભુજના સતત વિકસી રહેલા એરપોર્ટ રિંગરોડ વિસ્તારમાં દંતેશ્વર વાડી તરીકે ઓળખાતી આ જમીન ઉપર ગોપાલભાઇ ગોરસિયા હાલે સરદાર પટેલ નગર-2નું નિર્માણકાર્ય આગળ ધપાવી રહ્યા છે. આ સ્થળે દોઢેકસો પ્લોટ વેચાયેલા છે તો કેટલાક ઉપર મકાનો બની ગયા છે અને લોકો રહેવા પણ આવી ગયા છે. મોટા ભાગના પ્લોટધારકો મધ્યમ વર્ગ પરિવારના છે.  કાનૂની દાવપેચ અને કેસકબાલાને લઇને આ તમામ સંબંધિતો ચિંતામાં હતા. જેમની ચિંતા હાઇકોર્ટના હુકમ બાદ હાલતુરત દૂર થઇ છે. આ પ્રકરણની પૂર્વ વિગતો એવી છે કે જમીનના માલિક નાથા હરજી હાલાઇ સાથે આ જમીન બાબતે તેમના પુત્રોનો કૌટુંબિક વાંધો થયો હતો. આ તકરાર વધી પડતાં વર્ષ 2010માં પુત્રોએ પિતા ઉપર ટ્રેકટર ચડાવી દીધાની ચકચારી ઘટના બની હતી અને તે વિશે ફોજદારી ગુનો દાખલ થયો હતો. આ પછી યોગ્ય મધ્યસ્થી થકી કેસકબાલામાં સમાધાન થવા સાથે પુત્રોએ પોતાનો હક્ક જતો કર્યો હતો અને પોતાનો દાવો પરત ખેંચ્યો હતો. દરમ્યાન નાથાભાઇ હાલાઇએ લોરિયાના હઠુભા ભાણજી જાડેજા અને અન્યોને આ જમીન વેચી હતી, તો હઠુભા જાડેજાએ આ જમીન ગોપાલભાઇ ગોરસિયાને વેચાતી આપતાં નિયત પ્રક્રિયાઓ પૂર્ણ કરી દસ્તાવેજ કરાવાયો હતો. આ પછી નાથાભાઇની પુત્રી વેલબાઇ દ્વારા આ જમીન ઉપર પોતાનો સંયુકત હક્ક થતો હોવાની વાત આગળ ધરીને વર્ષ 2011માં મનાઇહુકમ માગ્યો હતો જે મળ્યો ન હતો. આ દરમ્યાન જમીન બિનખેતી પણ થઇ ગઇ હતી. બાદમાં મામલો હાઇકોર્ટ સમક્ષ લઇ જવાતાં જમીન વિશેના આધારો રજૂ થાય ત્યાં સુધી વેલબાઇની તરફેણમાં તા. 6/4/2015ના મનાઇહુકમ અપાયો હતો. અલબત્ત, આ પછી તા. 9/4/2015ના સ્થાનિક કોર્ટ દ્વારા આ દાવો કાઢી નખાયો હતો. ગુરુવારે સુનાવણી પૂર્ણ કરતાં હાઇકોર્ટે પ્રકરણમાં મનાઇહુકમ ઉઠાવી લેવાનો આદેશ કર્યો હતો. જેને લઇને સરદાર પટેલ નગર-2 આડેના કાનૂની અંતરાયો દૂર થયા છે. આ કેસની સુનાવણીમાં શ્રી ગોરસિયા તરફે વરિષ્ઠ ધારાશાત્રી યોગેશભાઇ ભંડારકર તથા હાઇકોર્ટમાં મેહુલ શરદભાઇ શાહ વકીલ તરીકે હાજર રહ્યા હતા.  દરમ્યાન, ભુજના પ્રતિષ્ઠિત ડેવલપર્સ ગોપાલભાઇ?માવજી ગોરસિયાએ આ ચુકાદા સંદર્ભે જણાવ્યું કે, શહેરની શોભા અને આવાસીય ગુણવત્તા માટે આવકાર પામેલ સરદાર પટેલ ભાગ-1 અને સેન્ડલ વૂડ રેસિડેન્સી જેવી જ સુવિધા સરદાર પટેલ નગર ભાગ-બેમાં આપવાની પ્રતિબદ્ધતા છે. અમારો ધ્યેય માત્ર આર્થિકોપાર્જન નથી, સાથે સાથે શહેરની ગરિમા અને સ્ટેટસરૂપ યોજનાઓ આપવાનો છે. જેના લીધે કચ્છ બહારથી આવનાર વર્ગને ભુજનો ઠસ્સો અનુભવાય. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer