ભુજમાં રાત વચ્ચે મોબાઇલ ફોનની દુકાનનાં તાળાં તોડીને અડધા લાખની માલમતા ચોરાઇ

ભુજ, તા. 15 : શહેરમાં વાણિયાવાડ નાકા બહાર જનતાઘરની નીચેના ભાગે આવેલી મનોહર ઉર્ફે મનોજ છોટુલાલ મનવાણીની વિશ્વાસ ઇલેકટ્રીક નામની દુકાનના તાળા તોડીને તેમાંથી રૂા. 48595ની માલમતાની તસ્કરી થઇ હતી, તો બીજીબાજુ ભુજ તાલુકામાં નારાણપર અને ભારાપર વચ્ચે એક વાડી ખાતેથી રૂા. 1.30 લાખની કિંમતની ત્રણ ભેંસ ચોરી જવાઇ હતી. પોલીસ દફતરેથી પ્રાપ્ત માહિતી અનુસાર ભુજમાં વિશ્વાસ ઇલેકટ્રીક નામની દુકાન ગતરાત્રિ દરમ્યાન તૂટી હતી. આ બાબતે મનોહર ઉર્ફે મનોજ મનવાણીએ લખાવેલી ફરિયાદ મુજબ બંધ દુકાનના તાળા તોડીને અંદર ઘૂસેલા કોઇ હરામખોરો સેમસંગ અને નોકિયા કંપનીના ચાર મોબાઇલ ફોન અને ખાનામાંથી રૂા. સાત હજાર રોકડા મળી કુલ્લ રૂા. 48595ની માલમતા ચોરી જવાઇ હતી. એ. ડિવિઝન પોલીસ મથકના ફોજદાર ટી.એચ.પટેલે કેસની તપાસ હાથ ધરી છે.  બીજીબાજુ નારાણપરથી ભારાપર તરફ જતા માર્ગ ઉપર નારાણ દેવજી વેકરિયાની વાડી ખાતેથી રૂા. 1.30 લાખની કિંમતની ત્રણ ભેંસ ચોરી જવાઇ હોવાનો મામલો પોલીસ દફતરે નોંધાયો છે. આ બાબતે નારાણપર ગામના આસમલ રામજી મહેશ્વરીએ લખાવેલી ફરિયાદ અનુસાર ગઇકાલે સાંજે છ વાગ્યાથી રાત્રિના નવ વાગ્યા દરમ્યાન ભેંસોની આ ચોરી થઇ હતી. માનકૂવા પોલીસ મથકના ફોજદાર જે. એચ. ઓઝાએ કેસની તપાસ હાથ ધરી છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer