અબડાસામાં બીજા તબક્કામાં 3200 રખડતા ગૌવશંને આશરો અપાશે

નલિયા, તા. 15 : અબડાસા અબોલ જીવ બચાવ અભિયાન સમિતિ દ્વારા બીજા તબક્કામાં નલિયા ખાતે એકત્ર કરવામાં આવેલા તાલુકાના રખડતા એવા 3200 ગૌવંશને આગામી તા. 5/1/19ના રાતા તળાવ વાલરામ પાંજરાપોળમાં આશ્રય આપવાનું નક્કી થયું હતું. સમિતિના અધ્યક્ષ મનજીભાઈ ભાનુશાલીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં તેમણે નિરાધાર તાલુકાના તમામ ગૌવંશને રાતા તળાવ પહોંચાડી દેવાની અપીલ કરી હતી. તાજેતરમાં ડુમરા વિકાસ સમિતિ અને ભાવેશ લક્કી સેવા સ્મૃતિ ટ્રસ્ટના સહયોગથી 2900 રખડતા ગૌવંશને રાતા તળાવ પહોંચાડયા પછી અત્યારે રાતા તળાવ ખાતે પાંચ હજાર ગૌવંશને સાચવવામાં આવતા હોવાની માહિતી અપાઈ હતી. ભારત ગ્રુપ દ્વારા નલિયા ખાતે એકત્ર કરવામાં આવેલા 3200 ગૌવંશ તા. 5/1ના રેલી સાથે રાતા તળાવ પહોંચાડવાના આયોજનને આખરી ઓપ આપવામાં આવતાં ગજરાજ, ઘોડેસવાર, સાધુ-સંતો, ભજનમંડળીઓ, ગૌસેવકો, ગામે ગામના મહાજનો મોટી સંખ્યામાં જોડાશે. આગામી તા. 25મી જાન્યુઆરીના કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળ દ્વારા ગૌસેવાના લાભર્થે યોજાનારી સંતવાણીમાં ગૌસેવા માટે મોટું ફંડ ભેગું કરવાનું આયોજન ઘડી કઢાયું હતું. તો તાલુકાના બાકી રહી જતા 30,000થી વધુ ગૌવંશ બચાવવા વિવિધ સંસ્થાઓએ નીરણ કેન્દ્ર શરૂ કરવાની તૈયારી દર્શાવી વર્ધમાન પરિવાર-મુંબઈના દેવચંદભાઈ શાહે સરકાર સાથે 20 ગામોમાં 20,000 તથા મોહનભાઇ શાહે 15 હજાર ગૌવંશ બચાવવા જવાબદારી લીધી હતી. માજી ધારાસભ્ય ઈબ્રાહિમભાઈ મંધરાએ  રૂા. 25ની સબસિડી ઓછી હોવાનું તથા  જીવો બચાવવાની દરખાસ્ત જયંતીલાલ ઠક્કર (ડુમરાવાળા)એ કરી હતી. અનુભા જાડેજા, મૂળરાજ ગઢવી, શંભુભાઈ ભાનુશાલી, ખેતશીભાઈ મહેશ્વરી, જયેશભાઈ ઠક્કર હાજર રહ્યા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer