કચ્છમાં ઘાસચારા વાવેતરને પ્રોત્સાહન જરૂરી

ભુજ, તા. 15 : આજે અહીં યોજાયેલી જિલ્લા અછત સમિતિની બેઠકમાં  આગામી સમયમાં કચ્છમાં પાણીની તંગીનું પાણી પુરવઠા વિભાગ દ્વારા કન્ટીજસી માસ્ટર પ્લાન સાથે આગોતરું આયોજનનું સુચારુ અમલીકરણ ગોઠવવા અને ઘાસચારા વાવેતરને પ્રોત્સાહન આપવા પર ભાર મુકાયો હતો.  સમિતિના સભ્યો દ્વારા કચ્છમાં ઢોરવાડા ખોલવાના થયેલા પ્રારંભ અને અબોલ જીવોની નિકાસબંધીના સરકારના નિર્ણયને પણ આવકારવામાં આવ્યો હતો. અધ્યક્ષા જિલ્લા કલેકટર રેમ્યા મોહને અછત સમિતિના સભ્યોને બન્નીમાં કેટલ કેમ્પ મંજૂરી અપાયાની સાથે  કામગીરી આરંભાઈ ગઇ હોવાનું જણાવી ઢોરવાડા ખોલવાની આનુષંગિક પ્રક્રિયા સંદર્ભે, શરતો, ટેગિંગ, વગેરે બાબતે અવગત કર્યા હતા અને ખોટું થતું અટકાવવા સૌને સહયોગી થવા જણાવ્યું હતું.  ચર્ચા દરમિયાન અધિક કલેકટર કે.એસ. ઝાલાએ સભ્યોને શરતો સંદર્ભે સરકારનો હેતુ સ્પષ્ટ કર્યો હતો. સમિતિના સભ્યોએ કેટલ કેમ્પ બાબતે કેટલાક વ્યવહારુ સૂચનો પણ કર્યા હતા.વન વિભાગને પણ રખાલો અને પાણીની ઉપલબ્ધિ સહિત ઘાસચારા વાવેતરની સમગ્ર જિલ્લામાં વિગતવાર હકીકત રજૂ કરવા જિલ્લા કલેકટરે જણાવતાં કંથકોટ, ફતેહગઢ વિસ્તારમાં કામગીરી ચાલુ હોવાની સાથે રાજડા રખાલમાં બોરનાં પાણી ક્ષારયુકત હોવાનું વન વિભાગે ઉમર્યું હતું. માંડવી રખાલ ખાતે દસ હેકટરમાં ઘાસચારા વાવેતર કરી શકાય કે કેમ તેનો અહેવાલ આપવા નિર્દેશ કરાયો હતો. ઉપરાંત નરા ડેમ વિસ્તારમાં વાવેતર પ્રગતિમાં હોવાની સાથે ઘાસચારાનું વૈકલ્પિક સ્રોતો દ્વારા ભારણ ઘટાડવા સહિતના મુદ્દે ચર્ચા થઈ હતી. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનાસિંહ જાડેજાએ કેટલ કેમ્પમાં છાંયડાની સુવિધા સંદર્ભે, કુવા રિચાર્જ કરવા, રખડતા ઢોરો માટે ચારાની ચિંતા દર્શાવી હતી. પાંજરાપોળોના આમંત્રિત સભ્ય અને જિલ્લા પંચાયતના પૂર્વાધ્યક્ષ જીવાભાઈ આહીરે સરકાર અને સંસ્થા દ્વારા ઘાસચારો વાવવા મકાઇ તથા બિયારણની વિગતો જાણવા માગી હતી. ઘાસ નિયમિત ફાળવવા સહિત સબસિડીનું ધોરણ વધારવા, ખેડૂતોને પાક ફસલ વીમા ચૂકવવા સમિતિને ભલામણ કરી હતી. અધિક કલેકટર શ્રી ઝાલાએ  ચાંદ્રાણીમાં ઘાસડેપોની મંજૂરી આપી હોવા તેમજ પૂર્વ રાજયમંત્રી તારાચંદભાઈ છેડાની ગત બેઠકમાં મુંદરામાં ઘાસ વિતરણ અંગે રજૂઆત અનુસંધાને રોટેશનમાં ઘાસ વિતરણ શરૂ કરાયું  હોવાની અને ગૌશાળાના પ્રતિનિધિ ભરતભાઈ સોંદરવાના સબસિડીના ચૂકવણા સંદર્ભે ગ્રાંટ ફાળવાઇ ગઇ હોવાનું અને રૂા. 5.50 કરોડ સબસિડીનું ચૂકવણું થયાનું ઉમેર્યું હતું. માલધારી પ્રતિનિધિ મિયાં હુસેન મુતવા, પાંજરાપોળના પ્રતિનિધિ નવીનભાઈ મોરબિયા વગેરે સભ્યોએ ઉપસ્થિત રહી અછત સમિતિની ચર્ચામાં ભાગ લીધો હતો.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer