વાગડના ધોરીમાર્ગનું કામ મોકૂફ

રાપર, તા. 15 : કેન્દ્ર સરકાર દ્વારા અને ખાસ કિસ્સા તરીકે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા વાગડ વિસ્તારના વિકાસ તેમજ ધોળાવીરા પ્રવાસનને વેગ આપવા સરહદી વિસ્તારની અગ્રતાને ધ્યાને લઇ અંદાજિત 255 કરોડના ખર્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ બનાવવાની જાહેરાત કરાઇ હતી.જાહેરાતના પગલે આ રસ્તાની સર્વેની કામગીરી મલ્ટિમીડિયા કંપની અમદાવાદને સોંપાઇ હતી. આ કામગીરી બાયપાસ તેમજ રેલવે બ્રિજ સહિતની તમામ કામગીરી પૂર્ણ કરાઇ હતી. વાગડ વિસ્તારના લોકોને આશા જાગી હતી કે આ કામ ટૂંક સમયમાં શરૂ થશે. પરંતુ હાલમાં જ મળતા સમાચાર મુજબ નેશનલ હાઇવે ઓથોરિટી તેમજ મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ હાઇવે વિભાગ દ્વારા 5000થી ઓછા વાહનોની અવરજવર હોવાથી નેશનલ હાઇવે મંજૂર કરી શકાય નહીં. હાલે આ કામગીરી અટકી પડતાં રાપર ભાજપના અગ્રણી બળવંતભાઇ ઠક્કર દ્વારા સાંસદ વિનોદભાઇ ચાવડા સમક્ષ પત્ર દ્વારા વિગતવાર રજૂઆત કરાઇ છે. જરૂર પડે નીતિનભાઇ ગડકરી સમક્ષ રજૂઆત કરવા રાપરના અગ્રણીઓ દ્વારા દિલ્હી જવા વિચારાઇ રહ્યું છે. સાંસદના પ્રત્યુત્તર બાદ આ અંગે નિર્ણય લેવાશે. વાગડ વિસ્તારમાં રેલવે સેવા નહીંવત હોવાથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આ પ્રોજેકટ મંજૂર કર્યો હોવાથી આ કામ હાથ ધરાય તેવી રજૂઆત કરાઇ છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer